Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

નિત્યાનંદ આશ્રમ વિવાદ : કેસમાં સંડોવાયેલાને છોડાશે નહીં : કડકમાં કડક કાર્યવાહી કરાશે : પ્રદીપસિંહ જાડેજા

તપાસ અધિકારીની મદદ સારૂ બે ડી.વાય.એસ.પી., એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહીતના અધિકારીઓની વિવિધ ટીમો કાર્યરત

અમદાવાદના હાથીજણ પાસે આવેલા નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ થયેલી યુવતી અને બાળકો ગોંધી રાખવાના મામલે પોલીસે બે સાધિકા તત્વપ્રિયા અને પ્રાણપ્રિયાની ધરપકડ કરી પૂછપરછ કરવા કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેમાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા

 આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદના હીરાપુર ખાતે આવેલ નિત્યાનંદ આશ્રમમાં બનેલ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. પોલીસે FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેસમાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને રાજ્ય સરકાર છોડશે નહીં. કેસની ન્યાયિક તપાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ નિત્યાનંદ આશ્રમ ખાતે બાળકો સામે થયેલ ગુના સંદર્ભે દુઃખની લાગણી વ્યક્ત કરીને કસૂરવારો સામે સત્વરે પગલાં લેવા સૂચનાઓ આપી છે. તે સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને FIRમાં દર્શાવેલ આરોપીઓ પૈકી બે સંચાલિકા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. બન્ને હાલ પોલીસ કસ્ટડીમાં છે.

 પ્રદિપસિંહે જણાવ્યું હતું કે કે, સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે આ ઘટનાની તપાસ અમદાવાદ જિલ્લાના એસ.પી.ના સુપરવીઝન હેઠળ ડી.વાય.એસ.પી. કે.ટી. કામરીયા ચલાવી રહ્યા છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે. તપાસ અધિકારીની મદદ સારૂ બે ડી.વાય.એસ.પી., એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહીતના અધિકારીઓની વિવિધ ટીમો બનાવીને યોગ્ય દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તે સંદર્ભે પણ સાયબર સેલની મદદ લઇને તપાસને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. તપાસ દરમ્યાન મળેલ વિગતો અને પુરાવાઓને ધ્યાને લઇને કસૂરવારો સામે યોગ્ય દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ દરમ્યાન જે પણ વિગતો બહાર આવશે. તેના આધારે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નિત્યાનંદ આશ્રમ સંદર્ભે બાળકોના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં તેમની એક દિકરીને શોધી આપવા હેબીયસ કોર્પસ પીટીશન દાખલ કરી છે. હીરાપુર અમદાવાદ ખાતે બાળકોના પિતા જનાર્દન શર્મા અને આશ્રમ સંચાલકો વચ્ચે પોતાના બાળકોને આશ્રમમાંથી ઘરે પરત લઇ જવા અંગે ઘર્ષણ થયું હતું. તે સંદર્ભે તેમણે ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી.

(10:16 pm IST)