Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ભારે વિવાદ વચ્ચે ડીપીએસે આશ્રમ સાથે કરાર રદ કર્યો

ડીપીએસ દ્વારા ઝડપથી પગલા લઇ લેવાયા : બદનામી થતાં આશ્રમ સાથેના સંબંધોને તોડી નાંખવાની ડીપીએસની ઘોષણા : જમીન ખાલી કરવા માટેની નોટિસ

અમદાવાદ, તા.૨૦   :  હાથીજણ પાસે આવેલા નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ થયેલી યુવતી અને બાળકોના મામલે સાંઠગાંઠના આક્ષેપોનો સામનો કરી રહેલી ડીપીએસ સ્કૂલે આખરે નિત્યાનંદ આશ્રમ સાથેના સંબંધો તોડી નાંખ્યા છે. ડીપીએસ સ્કૂલે સીએસઆર પ્રવૃત્તિ હેઠળ નિત્યાનંદ આશ્રમ સાથે કરેલો કરાર રદ કરી દીધો છે. આ સંજોગોમાં હવે નિત્યાનંદ આશ્રમના બાળકો કે જેઓને અત્યારસુધી ડીપીએસ સ્કૂલમાં ભણાવાતા હતા અને સ્કૂલબસમાં નિઃશુલ્ક લાવવા-લઈ જવાની સગવડ અપાતી હતી તે બંધ કરી દેવાશે. એટલું જ નહી, ડીપીએસ તરફથી નિત્યાનંદ આશ્રમના સત્તાધીશોને નોટિસ ફટકારી ત્રણ મહિનામાં તેમનો આશ્રમ બીજે ખસેડી લેવા કડક તાકીદ કરાઇ છે. બીજીબાજુ, આ વિવાદીત જમીન મામલે કલેક્ટરે ખુલાસો માગ્યો છે કે, તમારી જમીન અને આશ્રમમાં કઈ કઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, જમીન પોતાની લીધેલી છે કે ભાડેથી લીધી છે.

             જો ભાડેથી લીધી છે તો કોની સાથે ભાડા કરાર કર્યો છે? ડીપીએસ સ્કૂલના ઓએસડી ઉન્મેશ દીક્ષિતે જણાવ્યું હતું કે, ડીપીએસ સ્કૂલે તાત્કાલિક અસરથી નિત્યાનંદ આશ્રમ સાથેના સીએસઆર હેઠળના કરારને રદ કરી દીધો છે. હવેથી નિત્યાનંદ આશ્રમના બાળકોને શિક્ષણ કે તે ઉપરાંતની કોઈ અન્ય સુવિધા ડીપીએસ સ્કૂલ દ્વારા પૂરી પાડવામાં આવશે નહીં. રસપ્રદ છે કે, સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રમ હિરાપુર ગામની સીમમાં આવેલી ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં ૧૦ મહિના પહેલાં જ શરૂ થયો છે. ડીપીએસ સ્કૂલના પ્લે ગ્રાઉન્ડ અને આશ્રમ વચ્ચે કોઇ દીવાલ ઊભી કરાઈ નથી, પ્લે ગ્રાઉન્ડમાંથી સરળ રીતે આશ્રમમાં જઇ શકાય તે માટે ખુલ્લો રસ્તો છે.

            આમ આ સમગ્ર વિવાદમાં ડીપીએસની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચાઓ ચાલી હતી. ડીપીએસના મુખ્ય સંચાલક મંજુલા પૂજા શ્રોફ પણ નિત્યાનંદના ભક્ત હોવાનો આક્ષેપ ગુમ થયેલી યુવતીના પિતાએ પણ કર્યો હતો. આ ઉપરાંત તા.૬ એપ્રિલ, ૨૦૧૯ના રોજ ડીપીએસની બોપલ શાખામાં સ્વયં કી ખોજ નામનો નિત્યાનંદ આશ્રમનો એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આશ્રમની મોટાભાગની બાળાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરતી હોવાનું પણ બહાર આવ્યું છે. નિત્યાંનદ આશ્રમની જગ્યા કેલોરેક્સ ફાઉન્ડેશને લીઝ પર આપેલી છે. પરંતુ એ જ જમીન પર ચાલી રહેલી ડીપીએસ સ્કૂલે એફઆરસીમાં રજૂ કરેલા દસ્તાવેજોને આધારે એફઆરસીએ કરેલા ફાઇનલ ઓર્ડરમાં ક્યાંય આશ્રમની જગ્યાનો ઉલ્લેખ કર્યો નથી. આમ, વિવાદે જોર પકડતાં ડીપીએસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જો કે, તંત્ર દ્વારા તેની રીતે તપાસ ચાલુ રાખવામાં આવી છે.

(8:23 pm IST)