Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પ્રેમલગ્ન કરનાર યુવકની 50 વર્ષીય માતા સાથે એકલતાનો લાભ લઇ બે આગેવાનોએ દુષ્કર્મ આચરતા અરેરાટી

બનાસકાંઠા:જિલ્લાના કાંકરેજ તાલુકામાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. કાંકરેજ તાલુકાની ૫૦ વર્ષીય આધેડ મહિલાને પોતાના પુત્રે પ્રેમલગ્ન કરતાં સમાજના બંધારણ મુજબ નાત બહાર મુકવા તેમજ રૃપિયા ૫ લાખનો દંડ ભરવામાંથી મુક્તિ આપવા બાબતે સુથાર સમાજના બે ૬૦ વર્ષના આગેવાનોએ મહિલાની મજબુરીનો લાભ લઈ દોઢ માસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. આ બાબતે બન્ને કહેવાતા આગેવાનોની વારંવાર કનડગતના લીધે મહિલાએ હિંમત કરી પરિવારને જાણ કરી હતી. બાદમાં પોલીસ ફરિયાદ કરતા બન્ને આગેવાનો હાલ ફરાર છે.

મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામના રણછોડ  દાનભાઈ સુથાર અને લોરવાડા ગામના બીજોલ રામજીભાઈ સુથારે સમાજના આગેવાનોનો ઠેકો લઈ આધેડ મહિલાને ડરાવી, ધમકાવી તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. દોઢ મહિના અગાઉ  ભોગ બનનાર મહિલાના પુત્રએ પ્રેમલગ્ન કરતાં તેના પરિવારજનોને સમાજ બહાર મુકી દેવાશે અને પાંચ લાખ દંડ કરાશે તેવી ધમકી આપી હતી. જોકે આવું ન કરવું હોય તો પ્રેમલગ્ન કરનાર યુવકની માતાને મોબાઈલ પર વાતચીત કરવાની અને સંબંધ બાંધવા માટે મજબુર કરી હતી. આ ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને આવા દુષ્કર્મીઓને ઝડપથી પકડી પાડી સજા થાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

(5:53 pm IST)