Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

સરકાર વીમા કંપનીઓ સામે પગલાં ન લેતાં ચોટીલા પંથકના ૪૦૦ ખેડૂતોએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા

ચોટીલાના ૪૦૦ ખેડૂતોના પાક નિષ્ફળ : હાઈકોર્ટે સરકાર અને વીમા કંપનીને નોટીસ ફટકારી

અમદાવાદ,તા.૨૦: વર્ષ ૨૦૧૭માં  વધુ વરસાદનાં કારણે રાજકોટનાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો. વીમા કંપનીએ વળતર ન આપતાં ૪૦૦ ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યાં જે બાદ હાઈકોર્ટે વીમા કંપની અને રાજય સરકારને નોટીસ ફટકારી છે.

ધનજી ધોધરેજીયા અને દસ બીજા ખેડૂતોએ વકીલ દીક્ષા પંડ્યા મારફતે અરજી દાખલ કરી હતી. આ લોકોએ કોર્ટ સમક્ષ કહ્યું કે તેમણે ૨૦૧૭ પહેલાં ઇન્શ્યોરન્સ કરવાયું હતું અને પ્રીમિયમ પણ સમયસર ભર્યો છે. તે વર્ષે વધારે વરસાદ પડતા પાકમાં ભારે નુકસાન થયું હતું.અત્યારે આ મામલો વધારે ગંભીર છે કારણ કે આ વર્ષે પણ કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોનાં પાક નિષ્ફળ ગયા છે જેની સામે સરકારે પેકેજની જાહેરાત સાથે વળતર આપવાની ખાતરી કરી છે

જયારે આ ખેડૂતોએ વીમા કંપની સમક્ષ કલેમ કર્યો ત્યારે તેમની માંગ ફગાવી દેવામાં આવી અને જેમની માંગ સ્વીકારી તેમને નુકસાન કરતા ઓછું વળતર આપવામાં આવ્યું.રાજકોટના ચોટીલા તાલુકાના ૪૦૦ ખેડૂતો વધુ વરસાદના કારણે પ્રભાવિત થયા હતા જે બાદ તેમની માંગ વીમા કંપની દ્વારા અસ્વીકાર કરતાં ખેડૂતોએ હાઇકોર્ટ સમક્ષ વિવિધ અરજીઓ કરી હતી જેમાંથી એકમાં હાઇકોર્ટે રાજય સરકાર અને વીમા કંપનીઓને નોટિસ આપી છે.

(11:42 am IST)