Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત

ગાંધીજીને સુતરની આંટી પહેરાવી આદરાંજલિ અર્પી : એક્તાની દિપશિખાથી ૫૦૦થી વધુ રજવાડાની વિવિધ જ્યોતને એક કરીને અખંડ ભારતનો દીપ પ્રગટાવ્યા હતો

અમદાવાદ,તા.૨૦ :  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પોરબંદરમાં આવેલું જન્મ્ ઘર કિર્તીમંદિર તરીકે સુખ્યાત છે. ખેડા જિલ્લારના વડા મથક નડિયાદમાં પણ જેને બીજુ કિર્તીમંદિર કહી શકાય એવું તિર્થ સ્થળ આવેલું છે, એ છે સરદાર વલ્લભભાઇ પટેલના મોસાળનું ઘર જ્યાં ભારતના ઘડવૈયાનો જન્મ થયો હતો. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના બીજા કિર્તીમંદિર જેટલા જ પવિત્ર સરદાર જન્મ ઘરની આજે મુલાકાત લીધી હતી અને એ પાવન, સરદાર પ્રાગટ્ય ભૂમિની અનેરા આદરભાવ સાથે વંદના કરી હતી. ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાનું કરમસદ એ સરદાર સાહેબની પિતૃભૂમિ છે. જ્યાં એમનું પૈતૃક ઘર આવેલું છે. તેવા નડીયાદના દેસાઇ વગામાં આવેલ સરદાર સાહેબના મામાનું ઘર એ એવું તીર્થ સ્થળ છે, જ્યાં લાડબાની કૂખે ભારતના સરદાર અવતર્યા હતા. કહેવત છે કે મામાનું ઘર કેટલે... દીવો બળે એટલે... નડિયાદના ઘરમાં એક એવો રાષ્ટ્ર દિપક અવતર્યો હતો જેણે એક્તાની દિપશિખાથી ૫૦૦થી વધુ રજવાડાઓની જુદી જુદી જ્યોતને એક કરીને અખંડ ભારતનો દીપ પ્રગટાવ્યા હતો. મુખ્યમંત્રીએ સરદાર સાહેબના જન્મ  સ્થળનું રસપૂર્વક નિરીક્ષણ કરી ખંડમાં સમય વિતાવ્યો હતો. જ્યાં મુખ્યમંત્રીએ અનેરા સ્પંબદનોની અનુભૂતિ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલના જન્મં સ્થળે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી આદરાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રીની સરદાર પટેલની જન્મ સ્થળની મુલાકાત સમયે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ અને સાંસદ દેવુસિંહ ચૌહાણ સાથે રહ્યા હતા.

(9:41 pm IST)