Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સત્યને વાચા આપતો રહીશઃ બધી બાબતોનો કરીશ પર્દાફાશ : ગેરશિસ્તના પગલા આવકાર્ય

કોંગી વિચાર વિભાગ મંચના પ્રમુખ ઉમાકાંત માંકડ લાલઘુમ : અમુક નેતાઓ રમત રમે છેઃ ભાજપ સામે હંમેશા લડતો રહીશ

રાજકોટ તા. ર૦: જમ્બો માળખુ બનાવવા છતાં કોંગ્રેસમાં સીનીયર અને સાચા આગેવાનો વિસરાયા છે તેવી આડકતરી લાગણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિચાર વિભાગ મંચના આક્રમક અને હંમેશા સ્પષ્ટ વકતા રહેલા ઉમાકાંત માંકડ નારાજ હોવાનું મનાય છે અને ગત મધરાતથી સોશ્યલ મીડીયા પર સતત સક્રિય વિચાર વિભાગ મંચ બંધ કરીને બેસી ગયા છે.

ઉમાકાંત માંકડના નજીકના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી ભાજપના કરતૂતોને ખુલ્લા પાડવામાં દિવસ રાત સક્રિય રહેતા ઉમાકાંત માંકડે હંમેશા સાચી પરિસ્થિતિ વર્ણવી છે અને સાચાને સાચો અને કાણાને કાણો બેધડક કહ્યો છે ત્યારે ગઇકાલે જાહેર થયેલા જમ્બો માળખામાં અમુક નેતાઓએ આંધળે બહેરૂ કુટયું છે. ર૦ થી રર સીનીયર આગેવાનોની સરેઆમ અવગણના કરાઇ છે અને નવાણીયાઓને   નવાજવામાં આવ્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ ભાજપમાંથી જીલ્લા પંચાયતની ચુંટણી લડનારાઓને પ્રદેશના મંત્રી બનાવી દેવાયા છે.

માંકડના નજીકના વર્તુળોના જણાવ્યા મુજબ વિચાર વિભાગ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજસ્થાનમાંથી ચુંટણી લડી રહ્યા હોય હાલ ઉમાકાંતભાઇ માંકડ રાજીનામું નહીં આપે પરંતુ ૧ર ડીસેમ્બરના રોજ તેઓ રાજીનામું સુપ્રત કરી દેશે.

દરમ્યાન અકિલાએ ઉમાકાંતભાઇ માંકડનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હું સત્યને વાચા આપતો રહીશ બધી ખોટી વિગતોનો ખુલ્લેઆમ પર્દાફાશ કરીશ અને એ બાબતને જો કોઇ ગેરશિસ્ત માને તો માની શકે છે કોઇપણ જાતના પગલા કોઇ લેવા ધારે તો તે પણ આવકાર્ય છે.

તેમણે જણાવ્યું હતું કે હું કોંગ્રેસી છુ અને કોંગ્રેસી જ રહીશ ભાજપ સામે હંમેશા લડતો રહી કોંગ્રેસના બચાવવા હંમેશા પ્રયત્નશીલ રહીશ અમુક વિગતો કોંગ્રેસની સાથે રમત રમી રહ્યા છે જો કે તેમનો ઇશારો કોની તરફ હતો તે જાણી શકાયું નથી.

(3:51 pm IST)