Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

૬૦ કિ.મી.ના હાઇવે પર પોણો ડઝન સહાયતા કેન્દ્રો

ગુજરાતથી રાજસ્થાન તરફ જતા પ્રવાસીઓ સહિતના મુસાફરોને દાહોદના હાઇવે પર હવે સલામતીનો અહેસાસ થયા વગર નહિ રહે : પેટ્રોલ-ડીઝલ ખુટશે તો પોલીસ લાવી આપશે, પંચર માટેની વ્યવસ્થા સાથે ચા-પાણીની વ્યવસ્થાઃ હથીયારબંધ પોલીસોનું કવચઃ રેન્જ વડા મનોજ શશીધર અને એસપી હિતેષ જોયસર સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૨૦: મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલ દાહોદ જીલ્લાનો ચોક્કસ વિસ્તાર લુંટ અને ધાડ માટે કુવિખ્યાત છે. ગુજરાતમાંથી રાજસ્થાન વિગેરે સ્થળે પ્રવાસીઓ વિશેષ પ્રમાણમાં જતા હોય આવા પ્રવાસીઓના વાહન લુંટવાના બનાવો ન બને તેમજ આવા ભયાનક વિસ્તારમાંથી પસાર થતી વખતે રસ્તામાં કોઇ વાહનો ખરાબ થાય અને લુંટારાઓ તેનો લાભ ન લ્યે તે માટે રાજય પોલીસ તંત્રના પંચમહાલ રેન્જના કાર્યદક્ષ રેન્જ વડા મનોજ શશીધરે ખરા અર્થમા લોકોને મદદ કરવા માટે હાઇવે પર ૯ જેટલા પોલીસ સહાયતા કેન્દ્ર ઉભા કર્યા છે.

ઉકત બાબતે દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું કે લુંટારૂઓનો જયાં ભય રહે છે તેવા રસ્તા હાઇવે પર  અંધારાનો લાભ લઇ વાહન ચાલકો અને મુસાફરોને  ધાડપાડુ તથા લુંટારૂ ટોળકીથી રક્ષણ આપવા પિટોલથી ભથવાડા સુધીના ૬૦ કી.મી. ના હાઇવેનો સર્વે કરી ૯ જેટલા પોલીસ સહાયતા કેન્દ્ર  રેન્જ આઇજીપી મનોજ શશીધરના માર્ગદર્શન મુજબ ઉભા કરવામાં આવ્યા છે.

પોલીસ સહાયતા કેન્દ્રમાં હથીયારધારી પોલીસ સાથે હોમગાર્ડ અને ગ્રામ રક્ષણ દળનાં જવાનો તેૈનાત કરવામાં આવ્યા છે. એક કેન્દ્રમાં ઓછામાં ઓછા ૭ જવાન રહે છે.

લોકોની સહાયતા માટે ૭ થી ૮ કિ.મી.ના અંતરે એક સહાયતા કેન્દ્ર જે ઉભું થયું છે. તેમાં ચા-પાણીની સુવિધા ઉપરાંત પંચર સાંધવા માટેેના સાધનો ફર્સ્ટ એઇડ બોક્ષ પુરૂષો અને મહિલાઓ માટે અલગ-અલગ ટોયલેટની સુવિધા રાખવામાં આવી છે.

રસ્તામાં કોઇનું પણ વાહન બગડશે તો પોલીસ તેમને બીજા વાહનની વ્યવસ્થા કરી આપશે. તથા વાહનમાં ડીઝલ કે પેટ્રોલ ખુટયું હશે તો પેટ્રોલ પંપ પર જઇ પોલીસ ડીઝલ-પેટ્રોલ લાવી આપશે. પોલીસ સહાયતા કેન્દ્ર કટલી દુર છે તેનું માર્ગદર્શન આપવા માઇલ સ્ટોન પણ લગાવ્યા છે તેમ એસપી હિતેષ જોયસરે વિશેષમાં જણાવ્યું હતું.

ઉકત બાબતે રાજકોટ રેન્જના પુર્વ રેન્જ વડા તથા પોલીસ તંત્રના બહોળા અનુભવી પંચમહાલ રેન્જ આઇજી મનોજ શશીધરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું કે દસેક દિવસ અગાઉ દાંતીયા ગામે રેલ્વે  પુલ ઉપરથી બટેટા ભરેલી એક ટ્રકના બે ટાયર ફાટી ગયા પોલીસ કર્મીઓએ ટ્રકના ટાયર બદલવામાં મદદ કરી ત્યાર બાદ જ ટ્રકને આગળ જવા દીધેલ.

સહાયતા કેન્દ્ર પરથી શૈલેષકુમાર નામનો યુવક મોડી રાત્રે મળી આવતા તેની પુછપરછ કરી હતી. પુછપરછના જવાબમાં તેના કાકાએ સુરતથી ટ્રેનમાં બેસાડેલ. પરંતુ વચ્ચેના સ્ટેશને ટ્રેનમાંથી ઉતરી ભુલથી બીજી ટ્રેનમાં લીમખેડા આવી ગયેલ તેને સહી સલામત પરીવાર સુધી પહોંચાવેલ. આ ઉપરાંત હાઇવે પર મોડી રાત્રે ૩ વાહનોના પંકચર થયેલા જેમાં પણ પોલીસે મદદ કરી હતી.

(3:07 pm IST)