Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી નહીં પણ આશાવલ કરો

ભીલ સમુદાયે દેખાવ કરીને મૂકી માગણીઃ તેઓ કહે છે કે ભીલ આદિવાસી સરદાર આશાભીલે આઠમી સદીની આસપાસ આ નગર વસાવ્‍યું હતું

અમદાવાદ, તા.૨૦: હજી કર્ણાવતીના નામનો વિવાદ ચાલી રહ્યો છે ત્‍યાં અમદાવાદનું નામ બદલીને આશાવલ જાહેર કરવા ભીલ સમુદાયે ગઇ કાલે દેખાવો યોજયા હતા અને આઠમી સદીની આસપાસ ભીલ આદિવાસી સરદાર આશાભીલે આ નગર વસાવ્‍યું હતું જેથી નામ બદલવું હોય તો કર્ણાવતી નહીં, આશાવલ નામ રાખવા માટે માગણી કરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવા માટે ચર્ચાઓ ચાલી રહી છે અને એનો વિરોધ પણ થઇ રહ્યો છે ત્‍યારે હજી તો કર્ણાવતી નામનો વિવાદ થાળે નથી પડયો ત્‍યારે ગઇ કાલે અમદાવાદ કલેકટર કચેરીની બહાર ભીલ સમુદાય દ્વારા અમદાવાદનું નામ આશાવલ રાખવાની માગણી સાથે સૂત્રોચ્‍ચાર અને દેખાવ કરવામાં આવ્‍યા હતા અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

ભીલ સમુદાયના અગ્રણી રાજુ વલવાઇએ કહ્યું હતું કે ‘અમદાવાદ તરીકે ઓળખાતા નગરનું મૂળ નામ આશાવલ હતું એ ઐતિહાસિક પુરાવાથી સાબિત થયેલું છે. આઠમી સદીની આસપાસ ભીલ આદિવાસી સરદાર આશાભીલે આ નગર વસાવ્‍યું હતું, એના પુરાવા ઇતિહાસકારોના વર્ણનમાં મળે છે. આજકાલ દેશના ઘણાં નગરોનાં નામ બદલી મૂળ નામ ફરીથી આપી સાંસ્‍કૃતિક અને ઐતિહાસિક વારસો પુનઃસ્‍થાપિત કરવાનું ચલણ શરૂ થયું છે. આ સંજોગોમાં અમારા ઐતિહાસિક વારસાને જાળવવા અને ઓળખ પુનઃસ્‍થાપિત કરવા આ નગરનું નામ એને વસાવનાર આશા ભીલના નામે રાખવા અને રખાવવા પ્રતિબદ્વ છીએ. અમદાવાદનું નામ બદલવું હોય તો કર્ણાવતી નહીં, આશાવલ નામ રાખો એવી માંગણી છે. નામ બદલવાનો નિવેડો નહીં આવે તો નાછૂટકે અમારે રસ્‍તા પર ઊતરવું પડશે.

(12:00 pm IST)