Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ગુરૂવારથી અમદાવાદમાં ગણિત-વિજ્ઞાન મેળો, રર રાજયોના વિદ્યાર્થીઓની ૨૦૦ કૃતિઓ પ્રસ્‍તુત

ગુજરાતને ૨૦ વર્ષ બાદ મળ્‍યો રાષ્‍ટ્રીય કક્ષાના આયોજનનો લાભ : બહારના રાજયોમાંથી આવેલા વિદ્યાર્થીઓને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ, સાબરમતી આશ્રમ, અક્ષરધામ વગેરે સ્‍થળો બતાવાશેઃ વિવિચ વિષયો પર તજજ્ઞોના વ્‍યાખ્‍યાનઃ ભૂપેન્‍દ્રસિંહ-વિભાવરીબેન

અમદાવાદ તા.૨૦ : સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ એવું ૪૫મું જવાહરલાલ નહેરૂ રાષ્‍ટ્રીય વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૮-૧૯ અમદાવાદ ખાતે આગામી તા. ૨૨-૧૧-૧૮થી તા. ૨૭-૧૧-૧૮ દરમિયાન સરદાર પટેલ સ્‍ટેડીયમ, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાનાર છે. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્‍થિતિ અને તેમના દ્વારા ઉદ્દઘાટન સાથે યોજાનાર આ અનેરા અને વિદ્યાર્થીઓની જીજ્ઞાસા સંતોષનાર આ ભવ્‍ય પ્રદર્શનમાં દેશનાં રર રાજયો, કેન્‍દ્ર શાસિત પ્રદેશો, અને અન્‍ય સંસ્‍થાઓ જેવી કે કેન્‍દ્રીય વિદ્યાલય સંગઠન, નવોદય વિદ્યાલય, સી.બી.એસ.સી. ની અને સેન્‍ટ્રલ તિબેટીયનઅ એડમિનિસ્‍ટ્રેટીવ સ્‍કૂલની શાળાઓના વિદ્યાર્થીઓ પોતાના સંશોધન આધારિત મોડેલ રજૂ કરશે.

શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે, બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્‍ટિકોણ વિકસે અને તેમનામાં વૈજ્ઞાનિક વલણ કેળવાય તેવા ઉમદા હેતુ સાથે એન.સી.ઇ.આર.ટી. અને યુ.જી.સી.ના સંયુકત ઉપક્રમે વર્ષ ૧૯૭૧માં બાળકો માટે રાષ્‍ટ્રીય વિજ્ઞાન પ્રદર્શનના નામથી નવી દિલ્‍હી ખાતે પ્રથમ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ પ્રકારના ભવ્‍ય વિજ્ઞાન ગણિત મેળાના આયોજનનો અવસર ગુજરાતને ૨૦ વર્ષ બાદ મળી રહયો છે. આ અનેરૂ પ્રદર્શન વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ ક્ષેત્રે રસ ધરાવનાર સો કોઇ માટે ખુલ્લુ રહેશે.

શિક્ષણમંત્રી એ જણાવ્‍યું હતું કે, આ રાષ્‍ટ્રીય, વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન એન.સી.ઇ.આર.ટી., રાજયના શિક્ષણ વિભાગ, જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર, અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના સંયુકત ઉપક્રમે યોજાઇ રહયું છે.

શિક્ષણ રાજ્‍યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્‍યુ હતુ કે, વિજ્ઞાન મેળાના અભ્‍યાસના કારણે વિજ્ઞાનના વિકાસક્રમનો પણ બાળકોને અનુભવ થશે. ઉપરાંત સંસ્‍કૃતિ, પર્યાવરણ, સમાજ કે વ્‍યકિત વિકાસમાં વિજ્ઞાન કેટલો મહત્‍વનો ભાગ ભજવી શકે છે તેનો પણ બાળકોને અંદાજ આવશે. મહત્‍વની વાત એ છે કે, રાષ્‍ટ્રીય કક્ષાના આ પ્રકારના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ મેળાના આયોજનમાં દેશના અનેક રાજ્‍યોના વિદ્યાર્થીઓ ભાગ લેવાના હોવાથી પરસ્‍પર સંપર્ક કેળવી દેશના રાજ્‍યોની વિવિધ સંસ્‍કૃતિઓથી પણ પરિચિત થશે. ઉપરાંત વિજ્ઞાન, ગણિત અને ટેકનોલોજીના વિવિધ આયામોને સમજવાનો પણ ભાગ લેતા પ્રત્‍યેક રાજ્‍યના વિદ્યાર્થીને અમૂલ્‍ય અવસર સાંપડશે.

પ્રદર્શનમાં વિવિધ મોડેલ ઉપરાંત અલગ અલગ વિષયો ઉપરાંત સેમિનારોનું પણ આયોજન કરાયુ છે. તેમા શ્રી પંકજ જોષી, શ્રી કાર્તિકેય સારાભાઈ, પ્રો. અનિલ ગુપ્‍તા અને શ્રી વિહારી સ્‍વામી જેવા વિદ્વાન વકતાઓ અલગ અલગ વિષયો ઉપર વકતવ્‍યો આપશે.

આ પ્રદર્શનમાં દેશભરના ૬૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્‍થિત રહેશે. જેમાં ૪૦૦ ભાઈઓ તથા ૨૦૦ બહેનોનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ દ્વારા ૨૦૦ જેટલા મોડેલ રજૂ કરાશે. જેમાં ગુજરાતની ૩૧ કૃતિઓનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનમાં બાયસેગ, સાયન્‍સ સિટી વિગેરેના મોડેલ પણ મુકાશે. અન્‍ય રાજ્‍યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને તેમની ટીમને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, અક્ષરધામ, સાયન્‍સ સિટી અને સાબરમતી આશ્રમ જેવા સ્‍થળોની પણ મુલાકાત કરાવાશે.

આ પ્રેસ કોન્‍ફરન્‍સના અમદાવાદ કોર્પોરેશનના મેયર શ્રી બિજલ પટેલ, કમિશ્નરશ્રી વિજય નેહરા, શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી વિનોદ રાવ અને પ્રો. દિનેશ કુમાર, એન.સી.ઈ.આર.ટી. નવી દિલ્‍હી વગેરે મહાનુભાવોની ઉપસ્‍થિતિ હતી

(11:29 am IST)