Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

આણંદ: વાસદ પોલીસે ગુપ્ત માહીતીના આધારે વાસદ-બોરસદ હાઇવે નજીકથી 16.41 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે બેની ધરપકડ કરી

આણંદ: વાસદ પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે વાસદ-બોરસદ માર્ગ પર આવેલ રેલ્વે ફાટક પાસે વોચ ગોઠવી રૂા. ૧૬.૪૧ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ અને ટ્રક જપ્ત કરી પાંચ શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ વાસદ પોલીસની ટીમને બાતમી મળી હતી કે વાસદ-બોરસદ માર્ગ પરથી સૌરાષ્ટ્ર તરફ એક ટ્રકમાં વિદેશી દારૂના જથ્થાની હેરફેર થનાર છે. મળેલ બાતમીના આધારે વાસદ પોલીસે વાસદ-બોરસદ રોડ પર રેલ્વે ફાટક પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીમાં વર્ણવ્યા મુજબની ટ્રક ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ટ્રકની તલાશી લેતા ટ્રકમાં એલોવેરા જ્યુસ લખેલ બોક્સ હતા. જે ખોલી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની ૩૨૪ પેટીઓ જેની અંદાજીત કિં.રૂા. ૧૬,૪૧,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ શખ્સોની પૂછપરછ કરતા ટ્રકનો ચાલક રાકેશકુમાર લક્ષ્મીચંદ શર્મા અને કંડક્ટર મનજીતકુમાર કમલકુમાર બાલાકરીમની ધરપકડ કરી હતી. તેઓની વધુ પૂછપરછ કરતા બિલ્ટીમાં દારૂનો જથ્થો રોહિત એન્ટરપ્રાઈઝ નવી દિલ્હી તથા મયંકકુમાર મહેતા રહે. તળાજા અને ટ્રકના માલિક તરીકે લક્ષ્મીચંદ રહે. નલોગ ખુર્દ હિમાચલ પ્રદેશ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વધુ તલસ્પર્શી તપાસ હાથ ધરતા વિદેશી દારૂનો જથ્થો ચંદિગઢના રાજીવ નામના શખ્સે ગુડગાંવના રવિ પહેલવાન દ્વારા હરીયાણાથી ટ્રકમાં ભરાવી આપ્યો હતો અને વડોદરાના લાલુ સિંધીનો સંપર્ક કરી સૌરાષ્ટ્ર તરફ લઈ જવાનો હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ ફોન, ટ્રક તેમજ રોકડા રૂા. ૧૦૦૦ મળી કુલ્લે રૂા. ૨૬૫૦૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક રાકેશકુમાર લક્ષ્મીચંદ શર્મા, મનજીતકુમાર કમલકુમાર બાલાકરીમ તેમજ ચંદીગઢના રાજીવ, ગુડગાંવના રવિ પહેલવાન અને વડોદરા વારસીયાના લાલો સિંધી વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:06 pm IST)