Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

મોટી રાહત: અમદાવાદ ગ્રામ્યમાં કોરોના હળવોઃ 3 મહિનામાં કોરોનાથી એકપણ મોત નથી

અમદાવાદ જિલ્લા પંચાયતનો રિપોર્ટ મુજબ છેલ્લે 20 જુલાઇએ મોત થયુ હતુ

અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી એક પણ કોરોના દર્દીનું મોત  થયું નથી. અમદાવાદ જિલ્લા પંચાયતના અહેવાલ મુજબ અમદાવાદ ગ્રામીણમાં 20 જુલાઇએ કોરોનાથી છેલ્લુ મોત થયુ હતું.

પાછલા બે મહિના જેટલા સમયથી અમદાવાદ શહેરમાં દરરોજ 150 થી 170 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ જિલ્લામાં (અમદાવાદ શહેર સિવાય) સ્થિતિ વધુ નિયંત્રણ હેઠળ દેખાઈ રહી છે.

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા બહાર પાડવામાં આવતી કોવિડ બુલેટિન પ્રમાણે 19મી ઓક્ટોબર સુધીમાં અમદાવાદ ગ્રામ્યના માત્ર 58 દર્દીઓના કોરોનાને લીધે મોત નિપજ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના કુલ 2789 કેસ પૈકી 2682 દર્દીઓને રજા આપી દેવામાં આવી.

રિકવરી રેટ લગભગ 96 ટકા માની શકાય. જયારે હાલ એક્ટિવ કેસની સંખ્યા માત્ર 49 હોવાનું સામે આવ્યું છે. જે પૈકી 42 દર્દીઓને દાખલ કરાયા છે ત્યારે 7 દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

સૌથી વધુ 638 પોઝિટિવ કેસ સાણંદમાં

અમદાવાદ ગ્રામ્યમાં નોંધાયેલા કોરોનાના કુલ પોઝિટિવ કેસ પૈકી 44 ટકા કેસ સાણંદ અને ધોળકા તાલુકામાં નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં સૌથી વધુ 638 કોરોના પોઝિટિવ કેસ સાણંદમાં નોંધાયા છે.

19મી ઓક્ટોબર 2020 સુધીના આંકડા પ્રમાણે અમદાવાદ ગ્રામ્યમાં કુલ 57,281 લોકોને હોમ-ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા જે પૈકી 55,185 લોકોનું 14 દિવસનો ક્વોરન્ટાઇન સમય પૂરો થઈ ગયો હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

હાલ 2096 લોકો હોમ-ક્વોરન્ટાઇન છે. જોકે આમાં અમદાવાદ શહેરના આંકડાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

અમદાવાદ કલેક્ટરેટ અને  જિલ્લા પંચાયતે લીધા સંયુક્ત પગલાં

અમદાવાદ ગ્રામ્યમાં 19મી ઓક્ટોબર સુધીમાં 3092 જગ્યા પર આવેલા 55 હજારથી વધુ ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લાને જોડતા મુખ્ય માર્ગો પર ઉભી કરવામાં આવેલી 8 ચેક પોસ્ટ પર 1.35 લાખ લોકોનું કોરોના માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

28 લોકોમાં શંકાસ્પદ લક્ષણ લાગતા તેમને નજીકના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની 624 જેટલી ટીમ દ્વારા 86,000થી વધુ લોકોનું કોવિડ માટે સર્વિલાન્સ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાથી સૌથી ઓછો પ્રભાવિત તાલુકો દેત્રોજ છે ત્યાં અત્યાર સુધીમાં માત્ર 30 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને ધોલેરામાં પણ ખૂબ ઓછા માત્ર 96 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે જે પૈકી એક્ટિવ કેસ ખૂબ ઓછા છે.

(5:55 pm IST)