Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમુલ બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સમાં સરકાર દ્વારા નિમણુંક કરાયેલા 3 સભ્‍યોનો વિરોધઃઆણંદ અને બોરસદના ધારાસભ્‍યો સહિત 7 ડિરેક્‍ટરોની રાજ્‍યના રજીસ્‍ટ્રાર સમક્ષ રજૂઆત

ગાંધીનગર: અમૂલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સરકાર દ્વારા મૂકાયેલા 3 સભ્યોનો વિરોધ ઉઠ્યો છે. ભરત પટેલ, દિનેશ પટેલ અને પ્રભાત ઝાલાને અમૂલ બોર્ડના 3 નવા સભ્યો તરીકે નોઁમિનેટ કરવાના છે. ત્યારે અમૂલના સરકાર દ્વારા મૂકાયેલા ૩ પ્રતિનિધિઓનો વિરોધ ઉઠ્યો છે. અમૂલના 9 ડિરેક્ટર્સ દ્વારા વિરોધ કરાયો છે. આંણદ અને બોરસદના ધારાસભ્યો સહિત 7 ડિરેક્ટરોએ રાજ્ય રજીસ્ટ્રાર સાથે આ મામલે મુલાકાત કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આવનારી ૨૩ તારીખે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાનાર છે. ત્યારે સરકારના પ્રતિનિધિઓના મતદાનને લઇને કોકડુ ગૂંચવાયું છે. ત્યારે અમૂલ બોર્ડમાં રાજકારણ ભલે ન હોય, પણ રાજેન્દ્રસિંહ પરમારનો કાંટો કાઢવા માટે સમગ્ર રાજકીય રમત રમાઈ રહી હોય તેવું સૂત્રોનું કહેવું છે. તો સાથે જ દિનેશ પટેલ ગ્રંથપાલ હોઈ તે સભ્ય તરીકે નોમિનેટ ન થઈ શકે.

કોંગ્રેસ સમર્થિત પેનલના ચૂંટાયેલ પ્રતિનિધિઓનો વિરોધ 

કોંગ્રેસના ધારાસભ્ય અમૂલના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિ સોઢા પરમાર સંજય પટેલ, ઘેલાભાઈ ઝાલા, જુવાનસિંહ ચૌહાણ, વિપુલ પટેલ, રણજીત પટેલ, શારદાબેન પટેલ અને સીતાબેન પરમાર સહિત 9 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહકાર રજિસ્ટ્રરને મળવા પહોંચ્યા છે. અમૂલ ડેરીના સરકાર દ્વારા નોમિનેટ કરાયેલા 3 સભ્યોને નોમિનેટ કરવાના મામલે 9 ડિરેક્ટરોએ વાંધો ઉઠાવ્યો છે. ત્યારે તમામ ડિરેક્ટર્સ રજિસ્ટ્રારની ઓફિસે પહોંચ્યા હતા. આ મામલે રાજેન્દ્રસિંહ પરમારે રજૂઆત કરી કે, ભૂતકાળમાં સરકાર દ્વારા આવી રીતે કોઈ સભ્યો મૂકાયા નથી તો હાલ કેમ મૂકો છો. 3 નોમિનેટ ડિરેકટર ન મુકવાની રજુઆત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પણ પિટીશન દાખલ કરવામાં આવી છે.

દિનેશ પટેલનો વિરોધ

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, દિનેશ પટેલની અમૂલમાં ડિરેકટર તરીકે થયેલ નિમણૂંક રદ થવાની સંભાવના છે. દિનેશ પટેલ સામે વાંધાનું કારણ એ છે કે, તેઓ ગ્રંથપાલ છે. દિનેશ પટેલ સરસ્વતી હાઈસ્કૂલમાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવે છે. ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા કર્મચારીની નિમણૂંક ના થઈ શકે તે બાબતે વિરોધ કર્યો છે.

(4:42 pm IST)