Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વડોદરાના ફતેગંજ પોલીસ સ્‍ટેશનમાં બહુચર્ચિત શેખ બાબુ હત્‍યા કેસમાં મૃતદેહને શોધવા 9 કિ.મી. લાંબી નર્મદા કેનાલમાં સીઆઇડી ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ

વડોદરા: વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બહુચર્ચિત શેખ બાબુની હત્યાનો મામલો વધુ ગરમાયો છે. ગાંધીનગર અને વડોદરા સીઆઈડી ક્રાઈમની ટીમની તપાસ છાણી કેનાલ સુધી પહોંચી છે. સીઆઈડી ક્રાઈમની ટીમ કેનાલ ખાલી કરાવી રહી છે. સીઆઈડી શેખ બાબુના મૃતદેહને કેનાલમાં શોધી રહી છે. શેખ બાબુની હત્યા કરી લાશ કેનાલમાં નાખી દીધી હોવાની માહિતી ટીમને મળી હતી. ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ, પીએસઆઈ સહિત 6 પોલીસકર્મીઓ બાબુ શેખની હત્યામાં સામેલ છે.

વડોદરામાં સીઆઈડી ક્રાઈમની તપાસનો મામલામાં શેખ બાબુની લાશ છાણી કેનાલમાં શોધી રહી છે. સીઆઈડી ક્રાઈમના એસપી ગિરીશ પંડ્યા છાણી કેનાલ પહોંચ્યા હતા. આ વિશે સીઆઈડી ક્રાઈમના એસપી ગિરીશ પંડ્યાએ કહ્યું કે, છાણીની નર્મદા કેનાલમાં 9 કિલોમીટર સુધી તપાસ કરાશે. તબક્કાવાર તપાસ કરાશે. જોકે, સીઆઈડીની ટીમને હજી સુધી લાશનો પત્તો નથી લાગ્યો.

શેખ બાબુની હત્યા મામલે ગત તા 6 જૂલાઇના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે 6 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયો હતો. આ મામલાની તપાસ એસીપી કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહી હતી. તેવામાં પોલીસને ગુનાના કામે વપરાયેલી સફેદ રંગની કાર હાથે લાગી હતી. પરંતુ શેખ બાબુના હત્યારાઓ સુધી પહોંચી વળવા પોલીસના હાથ ટુંકા પડી રહ્યાં હતા. જેથી આખરે આ સમગ્ર મામલો સીઆઇડી ક્રાઇમ પાસે પહોંચ્યો હતો. વડોદરા શહેરના બહુ ચર્ચિત શેખ બાબુ હત્યા પ્રકરણની તપાસ સી.આઇડી ક્રાઇમને સોંપાયાના ગણતરીના દિવસોમાં તમામ ગુનેગોરીએ શરણાગતિ સ્વીકારી હાજર થયા હતા.

આ કેસમાં 6 આરોપી પોલીસકર્મીઓ હાલ જેલમાં બંધ છે. જોકે, બાબુ શેખની હત્યા કરાયેલી લાશ ક્યાં ફેકાઈ છે તે હજી તેઓએ કોઈ માહિતી આપી નથી. સીઆઈડી ક્રાઈમની ટીમ કેનાલમાં શેખ બાબુની લાશની શોધખોળ કરી રહી છે. CID ક્રાઇમે વડોદરા ફાયરબ્રિગેડની ટીમને આ કામ માટે સાથે રાખી છે. સૌથી પહેલા તો કેનાલ ખાલી કરાવાઈ છે. તેના બાદ કેનાલમાં જેસીબી મશીન અને જરૂરી સાધનો વડે શેખ બાબુનો મૃતદેહ શોધવાની દિશામાં કાર્યવાહી શરૂ કરાઈ છે.

શું હતો ઘટનાક્રમ

ગત 10 ડિસેમ્બર, 2019ના રોજ ચોરીના ગુનામાં બાબુ શેખની ધરપકડ ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા કરાઈ હતી. ત્યારે બાબુ શેખને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના બાદ બાબુ શેખનુ પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું છે. ત્યારે પોલીસ સ્ટેશનના તત્કાલિન PI, PSI અને 4 LRD એ મળીને બાબુ શેખની લાશને સગેવગે કરી દીધી હતી. જેના બાદ ફરિયાદ દાખલ થતા તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ, PSI દશરથ રબારી, 4 કોન્સ્ટેબલ પંકજ, યોગેન્દ્રસિંહ, રાજેશ અને હિતેશ સામે હત્યાનો ગુનો દાખલ થતાં તમામ આરોપી ફરાર થઇ ગયા હતા. પરંતુ મીડિયામાં સમાચાર વહેતા થતા CID ક્રાઇમને તપાસ સોંપાઈ હતી, અને ગણતરીના દિવસોમાં જ 6 આરોપી પોલીસકર્મી હાજર થયા હતા.

(4:41 pm IST)