Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

યાત્રાધામ પાવાગઢ તરફ આવતા તમામ ખાનગી વાહનો ઉપર પ્રતિબંધઃ કોરોના મહામારીના કારણે જિલ્લા મેજીસ્‍ટ્રેટનું જાહેરનામુ

પંચમહાલ: યાત્રાધામ પાવાગઢ તરફ આવતા તમામ પ્રકારના ખાનગી વાહનો પર પ્રતિબંધ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આસો નવરાત્રિ દરમિયાન યાત્રાળુઓની મોટી સંખ્યામાં ઉમટી પડતી ભીડ અને કોવિડ સંક્રમણના ભયને ધ્યાનમાં રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયુ છે. યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આવામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ટ્રાફિક નિયમન યોગ્ય રીતે જળવાઈ રહે, તેમજ કોવિડ સંક્રમણ સામે તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આ પગલા લેવાયા છે. પાવાગઢમાં પ્રવેશના તમામ રસ્તા ખાનગી વાહનો માટે બંધ કરાયા છે. પ્રવેશ પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી અમલી રહેશે.

કયા રસ્તા પર ખાનગી વાહનોને પ્રતિબંધ છે

હાલોલ ટિમ્બી ત્રણ રસ્તાથી, ધનકુવા ચોકડીથી, વડા તળાવથી તથા ટપલાવાવ તરફથી પાવાગઢ તરફ આવતા તમામ પ્રકારના ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે. આ પ્રતિબંધ 31 ઓક્ટોબર 2020 સુધી અમલી રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 મુજબ દંડ કરવામાં આવશે. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ-144 અંતર્ગત આ જાહેરનામુ બહાર પડાયું છે.

ઈતિહાસમાં પહેલીવાર નવરાત્રિએ મંદિર બંધ રખાયું

કોરોનાને કારણે ભક્તોની ભક્તિને મોટી અસર પડી રહી છે. આવામાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અનેક નિર્ણયો લેવામાં આવે છે. આવામાં નવરાત્રિના ઇતિહાસમાં પ્રથમ વખત બંધ પાવાગઢ મંદિર બંધ રાખવામાં આવ્યું છે. આ નવરાત્રિએ યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રખાયું છે. 16 તારીખથી મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરાયા છે. દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રિને લઈ આવતા દર્શનાર્થીઓને વિવિધ જગ્યાઓ પર એલઇડીથી વર્ચ્યુઅલ દર્શન કરવામાં આવી રહ્યાં છે.

(4:41 pm IST)