Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સુરતમાં ધારી બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા ઉપર ઇંડા ફેંકનાર ગૌરાવ કાકડિયા અને પિયુષ વિરાણીની ધરપકડ

સુરત: ભાજપનાં ધારી બેઠકના ઉમેદવાર જે.વી કાકડિયાના સુરતનાં યોગીચોક ખાતેના વિજય-વિશ્વાસ સંમેલનમાં ઇંડા અને પથ્થરનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે શખ્સોની સુરત પોલીસની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. કાકડિયાના ચૂંટણી પ્રચાર માટે સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલા આનંદ ફાર્મમાં વિજય વિશ્વાસ સંમેલન રાખવામાં આવ્યું હતું.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલા કાર્યક્રમ પૂર્ણ કરી જતા રહ્યા હતાં. ત્યાર બાદ કોઈ અજાણ્યાં શખ્સોએ ઇંડા ફેંક્યા હતાં. આ ઘટના અંગે શહેર પોલીસને તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં જ્યાં ઘટના બની હતી તે વિસ્તારના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યાં હતાં. આ ઘટના અંગે ભાવેશ કાકડીયા નામના યુવકે કાપોદ્રા પોલીસે ગુનો નોંધાવ્યો હતો. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી જેમાં વાસુપુજ્ય એપાર્ટમેન્ટમાં સીસીટીવીમાં બે યુવકો દેખાયા હતાં. તેમની મોટર બાઇક નંબરના આધારે ક્રાઈમ બ્રાંચે તેઓની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેના આધારે ગૌરાંગ ઉર્ફે ગવો નારણ કાકડિયા (રહે.ગણેશ એપાર્ટમેન્ટ, યોગીચોક) અને પિયુષ ઉર્ફે પ્રિયમ વિનુભાઈ વિરાણી (રહે.રામનગર,હીરાબાગ)ની ધરપકડ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં યોગીચોક ખાતે ભાજપ દ્વારા ધારીનાં ઉમેદવાર જે.વી કાકડિયાનાં સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે સમયે કેટલાંક અજાણ્યાં લોકોએ ગ્રાઉન્ડમાં ઈંડાઓ ફેંક્યા હતાં. કંમ્પાઉન્ડ બહારથી કેટલાંક અજાણ્યાં તત્ત્વો ઈંડા ફેંકીને ભાગી ગયા હતાં.

ભાજપનાં નેતાઓની હાજરીમાં ઈંડા ફેંકવામાં આવ્યાં હતાં

નોંધનીય છે કે, ધારી-બગસરા-ખાંભા વિધાનસસભાની પેટાચૂંટણીનાં પ્રચાર માટે કોંગ્રેસમાંથી આવેલા અને હાલમાં ભાજપનાં ઉમેદવાર જે.વી. કાકડીયાના મત વિસ્તારના લોકો સુરતનાં વરાછા યોગીચોક-સિમાડા ખાતે મોટી સંખ્યામાં રહેતાં હોય. ત્યારે રવિવારના રોજ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે, કોરોનાનાં સંક્રમણ વચ્ચે રાખવામાં આવેલી સભા સામે આમ પણ લોકોનો વિરોધ હતો. તેની સાથે કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપતાં જે.વી કાકડિયાની સામે પણ વિરોધ થઈ રહ્યો છે.

(4:37 pm IST)