Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમદાવાદના સોલા પોલીસે પકડેલા ભાઇને છોડાવવા બહેનની વિલનગીરીઃ ખુરશી ભાંગી નાખીઃ સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ

અમદાવાદ : સોલા પોલીસે પકડેલા ભાઈને છોડાવવા માટે વિલનગીરી કરતી બહેનનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે ભાઈને પકડતા જ બહેનએ ફોન પર પોલીસ અધિકારીને ચીમકી આપી કે, ‘તમે જ્યાં છો ત્યાં આવી હું તમારી ચરબી ઉતારું છું. આ રીતે ધમકી બાદ મહિલા અન્ય લોકો સાથે ચાંદલોડિયા પોલીસ ચોકીમાં ભાઈને છોડાવવા પહોંચી હતી. મહિલા સહિતના લોકોએ અપશબ્દો બોલી પોલીસ સાથે ઝપાઝપી કરી અને ચોકીમાં પડેલી ખુરશી પણ તોડી નાંખી હતી. સોલા પોલીસે આ મામલે ત્રણ મહિલા સહિત પાંચ લોકો વિરૂદ્ધ આરોપીને ભગાડવાનો પ્રયાસ, સરકારી કર્મચારી પર હુમલો તેમજ કામગીરીમાં દખલ અને સરકારી મિલકતના નુકશાન અંગે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

સોલા પોલીસ બાપુનગર હીરાવાડી ચાર રસ્તા પાસે શિલ્પ રેસિડન્સીમાં રહેતાં ચિરાગ બળદેવ પટેલને તેના ઘરેથી પકડી ચાંદલોડિયા પોલીસ ચોકી લઈ જતી હતી. તે સમયે ચિરાગના મોબાઈલ ફોન પર તેની બહેન સ્નેહલ મોહિત જોષીનો ફોન આવ્યો હતો. આ બહેનએ પોલીસ સાથે વાત કરતા ધમકી આપી કે, તમે ચિરાગને પકડ્યો છે, હું તમારી ચરબી ઉતારું છું. તમે જ્યાં હોવ ત્યાં હું હમણાં આવું છું.

પોલીસે ચિરાગની તપાસ, પૂછપરછ અને કોરોના ટેસ્ટ અંગે કાર્યવાહી કરી હતી. તે સમયે ત્રણ મહિલા અને એક યુવક ચાંદલોડિયા પોલીસ ચોકી પર પહોંચ્યાં હતાં. ચારેય જણાં તમે ચિરાગને કેમ પકડ્યો તેમ કહેવા લાગ્યા હતાં. પોલીસ હકીકત સમજાવતા ચારેય જણાએ એ અમારે નહીં જોવાનું તેમ કહી ચાલ ચિરાગ તને કોણ પકડે છે એ અમે જોઈએ છીએ તેમ જણાવ્યું હતું. આથી, ચિરાગ પણ ઉભો થઇ ભાગવાના પ્રયાસમાં હતો.

જો કે પોલીસે ચિરાગ અને મહિલાઓ સાથે આવેલા યુવકને પકડી રાખ્યા હતાં. તે સમયે અન્ય મહિલાઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી અપશબ્દો બોલી હતી. સ્નેહલબહેન જોષીએ હું તમારી વિરુદ્ધ ફરિયાદ કરીશ તેવી ધમકી આપી ચોકીમાં પડેલી ખુરશી તોડી નાંખી હતી. આથી પોલીસ સ્ટાફે બીજી પોલીસની મદદ માંગતા ત્રણેય મહિલાઓ ફરાર થઈ ગઈ હતી. પોલીસે ચિરાગ અને મહિલાઓ સાથે આવેલા યુવક વ્રજ ભરત પટેલ રહે શિલ્પ રેસિડન્સી, હિરાવાડીને પકડ્યો હતો.

બન્ને આરોપીઓને મહિલાઓના નામ પૂછતાં સ્નેહલ મોહિત જોષી, રહે, શિલ્પ રેસિડન્સી, હિરાવાડી ક્રિષ્ના વિજય પંચાલ રહે, શ્યામ અવિરાય, નવા નરોડા અને છાયા હિતેશ રાઠોડ રહે, કેસર હાઈટસ, નવા નરોડા હોવાનું ખુલ્યું હતું. પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

સ્નેહલબહેન અને તેના પતિ મોહિત જોષી સહિતનાં લોકો વિરુદ્ધ દાખલ થયેલા ગુનામાં પોલીસે ચિરાગને અટક કર્યો હતો. જે ગુનાની વિગતો મુજબ, ચાંદલોડિયા વિસ્તારમાં સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસે કિર્તી પ્લેટનિયમમાં રહેતાં દર્શન અંબાલાલ પંચાલએ મોહિત જોષી અને તેમના પત્ની સ્નેહલબહેન પાસેથી વ્યાજે પૈસા લીધા હતાં. 16 ટકા વ્યાજ વસુલતા પતિ પત્નીના રૂપિયા લોકડાઉનમાં દર્શન અને તેનો મિત્ર ચૂકવી શક્યા ન હતાં. આથી દર્શનના ઘરે જઈ મોહિત જોષી સહિતના લોકોએ મારામારી કરી ધાકધમકી આપી હતી કે, તારે જીવતા રહેવું હોય તો મારા રૂપિયા આપી દેજે.

આ ધમકીને પગલે દર્શને ગત તા. 19-8-2020ના રોજ પોતાના ઘરે ઊંઘની 15 ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દર્શનને સારવાર માટે તેના પિતા સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં તેનું બીજા દિવસે ડી.ડી. (ડાઈંગ ડેકલેરેશન) લેવાયું હતું. આ અંગે સોલા પોલીસે દર્શનની ફરિયાદ આધારે ગત તા. 24-8-2020નાં રોજ મોહિત જોષી, તેની પત્ની સ્નેહલબહેન સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં સોલા પોલીસે સ્નેહલબહેનને ભાઈ ચિરાગ બળદેવ પટેલને નોટિસ આપવા છતાં હાજર ના રહેતા અટક કર્યો હતો. આથી, ભાઈ ચિરાગને છોડાવવા સ્નેહલબહેન સહિતનાં લોકોએ પોલીસ ચોકીમાં તોફાન કર્યું હતું.

(4:34 pm IST)