Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સ્ત્રી શકિતનાં સંઘર્ષ અને સિદ્ઘિઓથી પરિચિત થઈ નારી શકિતને બિરદાવતા મુખ્યમંત્રી

વિજયભાઇ રૂપાણી દ્વારા શકિત વંદના કાર્યક્રમ અંતર્ગત ૯ નારી શકિતઓ સાથે સંવાદ : સ્ત્રી એ શકિત છે, માતૃત્વ છે, સ્ત્રી શકિતનાં પરચાઓનો મોટો ઈતિહાસ છે, આપણે ત્યાં ગુજરાતમાં સમયની સાથે સ્ત્રી શકિતનો આમ જ લાભ તેમના કુટુંબ અને સમાજને થાય તે માટે હજુ પણ સમાનતાનો ભાવ સારી રીતે જગાવવાની જરૂર : શકિત વંદના કાર્યક્રમ હેઠળ ગુજરાતની સ્ત્રી શકિતને સશકત, સલામત અને સમૃદ્ઘ બનાવવાનો પ્રયાસ : વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર, તા. ર૦ :   ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં આદિકાળથી નારી શકિતની માતૃ શકિત તરીકે વંદના કરવામાં આવી છે. નારી તું નારાયણી અને નારી કભી ના હારી જેવી કહેવતોથી માતાની તાકાતનું ગૌરવ કરવામાં આવ્યું છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ મા અંબાના ભકિત પર્વ નવરાત્રિને માતૃ શકિતની વંદનાનો આદ્ય ઉત્સવ ગણાવ્યો છે. મુખ્યમંત્રીશ્રી નવરાત્રીના આ નવ દિવસ શકિત વંદના અભિયાન હેઠળ અલગ-અલગ ક્ષેત્રની નારી શકિત સાથે સંવાદ કરશે.

શકિત વંદના કાર્યક્રમ અંતર્ગત આજ આજ રોજ નવરાત્રીના પાવન પર્વ નિમિત્ત્।ે પ્રથમવાર પ્રસિધ્ધ લેખિકાઓ, રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરનાર દિકરીઓ અને રેડિયો જોકીસ તરીકે કામ કરતી બહેનો એમ કુલ નવ નારી શકિત સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાર્તાલાપ યોજી તેમની સંદ્યર્ષથી સફળતાની વાત સાંભળી સન્માન કર્યું હતું. અલગ અલગ ક્ષેત્રમાં પોતાની જાત મહેનત અને પરીશ્રમ થકી સફળ થયેલ નારીઓની શકિતમાંથી અન્ય મહિલાઓ પ્રેરણા પ્રાપ્ત કરી શકે તે માટે શકિત વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શકિત વંદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવ નારી શકિતઓ સાથે સંવાદ યોજી અંતમાં જણાવ્યું હતું કે, સ્ત્રી એ શકિત છે, માતૃત્વ છે. સ્ત્રી શકિતનાં પરચાઓનો મોટો ઈતિહાસ છે. આપણે ત્યાં ગુજરાતમાં સમયની સાથે સ્ત્રી શકિતનો આમ જ લાભ તેમના કુટુંબ અને સમાજને થાય તે માટે હજુ પણ સમાનતાનો ભાવ સારી રીતે જગાવવાની જરૂર છે. સરકાર તરીકે અમારી પણ આ જવાબદારી છે અને એટલે જ સ્ત્રી માન-સન્માનનાં આ કાર્યક્રમને સિમ્બોલિક કાર્યક્રમ તરીકે શકિત વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શકિત વંદના કાર્યક્રમ હેઠળ ગુજરાતની સ્ત્રી શકિતને સશકત, સલામત અને સમૃદ્ઘ બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.

(4:03 pm IST)