Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ચૂંટણી પહેલાં જ બાયડમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

પોલીસની મદદથી દારૂ ઉતારાયો હોવાનો આરોપ : બાયડ ચૂંટણીમાં મલિન ઇરાદાથી ભાજપે જીતવાના હેતુથી મતદારોમાં વિતરણ કરવા દારૂ ઉતારાયો હોવાનો આક્ષેપ

અમદાવાદ, તા.૨૦ : આવતીકાલે ગુજરાતની છ વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે, તેમાં બાયડ વિધાનસભાની બેઠકનો પણ સમાવેશ થાય છે પરંતુ બાયડની વિધાનસભા બેઠકની ચૂંટણી પૂર્વે જ બાયડમાંથી દારૂનો મોટો જથ્થો પકડાતાં રાજકારણ જબરદસ્ત રીતે ગરમાયું હતું. કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરાયા હતા કે, બાયડની ચૂંટણીમાં મલિન ઇરાદાથી ભાજપે જીતવાના હેતુથી મતદારોમાં વિતરણ કરવા માટે વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસની મદદથી જ આ દારૂ ઉતારાયો હોવાનો અને ખુદ ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના ઇશારે ભાજપને જીતાડવા પોલીસ તંત્ર કામે લાગ્યુ હોવાના ગંભીર આરોપ લગાવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. કોંગ્રેસના કાર્યકરોએ આ દારૂ ગૃહરાજ્ય પ્રધાન જ્યાં રોકાયા હતા તે હોટલના પાર્કિંગમાંથી ઝડપી પાડ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ દારૂ ઈસરી પોલીસ દ્વારા પીકઅપ વાનમાં ભરીને લાવવામાં આવ્યો હતો.

              જો કે આ દારૂ કોણે મગાવ્યો અને અને કોના આદેશથી મગાવ્યો તે હજુ સામે આવ્યું નથી. ટ્રકના ડ્રાઇવરે સ્થાનિક પીએસઆઇ અને રાઇટરના નામ લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, બાયડ વિધાનસભાની આવતીકાલની પેટા ચૂંટણી પહેલાં જ દારૂનો મસમોટો જથ્થો ઝડપાતા રાજકારણ ગરમાયું છે. દરમ્યાન આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગૃહરાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. ચાવડાએ આરોપ લગાવતાં કહ્યું કે, બાયડમાં ગૃહરાજ્યમંત્રીની દેખરેખમાં બે કન્ટેનર દારૂ ઉતરાયો છે. હાર ભાળી ગયેલી ભાજપ દારૂનું વિતરણ કરે છે. બાયડમાં રાત્રિના સમયે લોકોએ દારૂ પકડ્યો હતો. આટલા ગંભીર કેસમાં પોલીસ ફરિયાદ લેવાને બદલે ધમકાવે છે. પોતાના ઉમેદવારને જીતાડવા ભાજપ દારૂની ખેપ મારે છે. રાજયની છ વિધાનસભા બેઠકના મતવિસ્તારમાં ભાજપ દારૂનું વિતરણ કરે છે. પ્રચાર પૂર્ણ થવા છતા ભાજપના મંત્રી વિસ્તારમાં ફરી રહ્યા છે. ધારાસભ્યો,સાંસદો મતદારોને ધમકાવે છે. ત્યારે ગૃહરાજ્યમંત્રીની નિગરાનીમાં જ દારૂનું વિતરણ કરાઈ રહ્યું છે. ગૃહમંત્રી જે હોટેલમાં રોકાયા ત્યાંથી જ દારૂ પકડાયો છે. આ સમગ્ર મામલે નૈતિકતાના ધોરણે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ. ચૂંટણીપંચ દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ.

(9:41 pm IST)