Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

દિવાળીના તહેવારોમાં અમદાવાદ વિભાગમાંથી 650 એક્સ્ટ્રા બસો મુકાશે

ગોધરા, પંચમહાલ અને સૌરાષ્ટ્ર માટે ૬૫૦ એક્સ્ટ્રા બસો દોડાવાશે: રિઝર્વેશનના નવ અલગ કાઉન્ટરો ખોલાશે

અમદાવાદ : દિવાળીના તહેવારોને લઇને એસ.ટી.નિગમ દ્વારા મુસાફરોની સવલત માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. જેમાં ૨૪ ઓક્ટોબરથી લાંભ પાંચમ સુધી અમદાવાદ વિભાગમાંથી ગોધરા, પંચમહાલ અને સૌરાષ્ટ્ર માટેની ૬૫૦ એક્સ્ટ્રા બસો દોડાવાશે. આ વખતે મુસાફરો પાસેથી રૂટીન ભાડું જ વસુલવાનો નિર્ણય લેવાયો છે. ગીતામંદિર એસ.ટી.ડેપોથી તમામ બસોનું સંચાલન થશે.

 મુસાફરોની ભીડને જોતા ૯ રિઝર્વેશન કાઉન્ટરો ખોલવામાં આવ્યા છે. તેમજ તમામ અધિકારીઓને ૧૨ કલાકની ડયૂટી સોંપીને બે ગુ્રપમાં મુસાફરોની સેવામાં હાજર રહેવાનો પણ આદેશ આપી દેવાયો છે.   અમદાવાદથી દાહોદ, ઝાલોદ, ગોધરા, લુણાવાડા, સંતરામપુર, બારિયા તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ધારી અને સાવરકુંડલા માટે રૂટીન એસી બસો સિવાયની વધારાની બસો દોડાવવામાં આવશે

   . એસ.ટી.નિગમના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ વિભાગમાં એક્સ્ટ્રા બસો દોડાવાશે.ગીતા મંદિર ખાતે ૯ રિઝર્વેશન કાઉન્ટરોમાંથી ૭ કાઉન્ટરોને સવારના ૬ થી રાતના ૧૧ વાગ્યા સુધી ખૂલ્લા રખાશે. જ્યારે બાકીના ૨ કાઉન્ટરો ૨૪ કલાક ખૂલ્લા રખાશે. નહેરૂનગર ખાતે પણ એક કાઉન્ટર સવારના ૬ થી રાતના ૧૧ વાગ્યા સુધી ખૂલ્લું રખાશે. જો કોઇપણ મુસાફર ઇ-બુકિંગ કે મોબાઇલમાંથી બુકિંગ કરાવશે તો તેઓને ભાડાની રકમમાં ૧૦ ટકા રાહત આપવાનો પણ સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

(6:33 pm IST)