Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

કાલે બાયડ વિધાનસભા બેઠક માટે મતદાન: 316 મતદાન મથકો:1500 જેટલા કર્મચારી તૈનાત રહેશે

બેઠકમાં કુલ 2,31,103 મતદારો:પુરૂષ મતદારોની સંખ્યા 1, 18,817 જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 1, 12, 286 છે.

બાયડ:રાજ્યમાં 6 વિધાનસભા બેઠક માટે પ્રચાર પડઘમ શાંત થયા બાદ આવતીકાલ સોમવારના રોજ મતદાન થવાનું છે ત્યારે અરવલ્લી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા ઇવીએમ તેમજ વીવીપેટ મશિન મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે. બાયડ આર્ટ્સ કૉલેજ ખાતેથી ઇવીએમ તેમજ વીવીપેટ મશીન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પી. સી. દવે એ સમગ્ર વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.

32 બાયડ વિધાનસભા બેઠકમાં કુલ 2,31,103 મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 1, 18,817 જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 1, 12, 286 છે. બાયડ માલપુર વિધાનસભામાં કુલ 316 મતદાન મથકો છે. ચૂંટણી અંતર્ગત કામગીરી માટે જુદા જુદા કુલ ૧૯ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. મતદાન માટે તમામ મતવિસ્તારમાં કુલ 316 મતદાન મથકો છે જે પૈકી વિકલાંગ મતદારો માટે દર 12 મથકો પૈકી 1 મથકમાં રેલિંગ સાથે રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે અને આવા મતદારોને મતદાન મથકો સુધી લઈ જવા માટે વાહનની તેમજ વ્હીચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

બાયડ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ ઠાકોર ક્ષત્રિય સમાજના 1,26,299 મત છે. જેથી આ સીટ પર ઠાકોર સમાજનો દબદબો પહેલેથી જ રહ્યો છે. ત્યારબાદ પટેલ જ્ઞાતિના 40,000 જેટલા મતો છે.

બાયડ વિધાનસભા બેઠક બાયડ અને માલપુર તાલુકાની સંયુક્ત બેઠક છે. બાયડ વિધાનસભા બેઠક પર આમ તો કોંગ્રેસનો દબદબો છે. પરંતુ છેલ્લી પાંચ ચૂંટણી પર નજર કરીએ તો પણ આ વિધાનસભા બેઠક પર ભાજપ બે વખત અને કોંગ્રેસ ત્રણ વખત વિજયી બન્યું છે. તેથી આ સીટને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.

(5:28 pm IST)