Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

હવે ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓની હોલટિકિટ ખોવાય તો પણ ફિકર નહીં તુરંત ઓનલાઇન કાઢી અપાશે

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની માર્ચમા લેવાતી મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાની હૉલ ટીકિટ હવેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન આપવામા આવશે.આજે મળેલી બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં રજૂ થયેલા પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપવામા આવી હતી. ગુજરાત શિક્ષણ બોર્ડની માર્ચની ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામા દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને ગત વર્ષે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.બોર્ડ દ્વારા દર વર્ષે બોર્ડ પરીક્ષાના થોડા દિવસો પહેલા પરીક્ષા રીસિપ્ટ જે તે સ્કૂલને વિતરણ કરવામા આવે છે.જે સ્કૂલના જેટલા વિદ્યાર્થીઓ હોય તેટલા વિદ્યાર્થીઓની હોલ ટીકિટ પ્રિન્ટ કોપીમાં સ્કૂલને પહોંચાડવામા આવે છે અને સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને વિતરણ થાય છે.

18 લાખથી વધુ વિદ્યાર્થીઓની ફોટા સાથેની કલર રીસિપ્ટ પ્રિન્ટ કરવાનો ખર્ચ પણ મોટો થાય છે તેમજ સ્કૂલોને રીસિપ્ટ લેવા જવાથી માંડી ખોવાઈ જવા સહિતના અનેક પ્રશ્નો ઉભા થાય છે અને માથાકુટ થાય છે.પરંતુ હવે બોર્ડ દ્વારા આગામી માર્ચ 2020ની બોર્ડ પરીક્ષાથી ઓનલાઈન હૉલ ટીકિટ આપવાનું નક્કી કરાયુ છે.આ અંગે ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવે ડી.એસ.પટેલે જણાવ્યું કે આજે મળેલી બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં ઓનલાઈન રીસિપ્ટ આપવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો અને જે સર્વાનુમતે મંજૂર કરવામા આવ્યો છે.

આગામી માર્ચની પરીક્ષાથી જ ઓનલાઈન હોલ ટીકિટ આપવાનું બોર્ડનુ આયોજન છે જે માટે પુરા પ્રયત્નો કરાશે.ગુજકેટની આ વખતની પરીક્ષામાં પણ પ્રથમવાર ઓનલાઈન હૉલ ટીકિટ આપવામા આવી હતી.ગત વર્ષ સુધી ગુજકેટની હોલ ટીકિટ હાર્ડ કોપીમા વિતરણ થતી હતી પરંતુ ગુજકેટમાં ઓનલાઈન ટીકિટ આપ્યા બાદ હવે બોર્ડની પરીક્ષામાં પણ આપવાનું આયોજન છે.જેનાથી સ્કૂલ,વિદ્યાર્થી કે વાલી પોતાની રીતે ગમે તે સમયે બોર્ડની વેબસાઈટ પરથી પરીક્ષાની હૉલ ટીકિટ ડાઉનલોડ કરી શકશે.

ધો.10ની માર્ચ 2020ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ આજે બોર્ડ દ્વારા જાહેર કરાઈ છે.જે મુજબ 18મી નવેમ્બર સુધી દરેક સ્કૂલોમાંથી ઓનલાઈન ફોર્મ ભરાશે.18મી નવેમ્બરના રોજ રાતના 12 વાગ્યા સુધી જ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.જો કે 25મી ઓક્ટોબરથી તો દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યુ હોઈ 21 દિવસનુ દિવાળી વેકેશન હોવાથી સ્કૂલો બંધ રહેશે અને વેકેશન હોવાથી વિદ્યાર્થીઓ પણ નહી આવે.જેથી ફોર્મ ભરવાના દિવસો ખૂબ જ ઓછા મળશે.આમ આ વર્ષે બોર્ડે પરીક્ષા ફોર્મ ભરવાની મુદ્દત વધારવી પડશે.ગત વર્ષે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. ધો.10 બાદ ધો.12 સાયન્સ અને ધો.12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ આગામી એક-બે દિવસમાં જાહેર કરાશે.

(3:19 pm IST)