Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ચાર મહિના પહેલા વડોદરામાંથી શિક્ષક દંપતી સાથે લાપતા થયેલી સગીરાએ ઘરે જવાની સ્પષ્ટ ના પાડી દીધી :ત્રણેય શિરડીથી ઝડપાયા

શિરડી ભાડે મકાન રાખીને રહેતા હતા : પાડોશીના ફોનમાંથી પિતાને મિસકોલ કરતા શિરડી હોવાનું ખુલ્યું

વડોદરા :ચાર મહિના પહેલા વડોદરાના શિક્ષક દંપતી સાથે ગુમ થઈ ગયેલી  સગીરાએ પોતે ગુમ થવા અંગે ચોંકવનારો ખુલાસો કર્યો છે. વડોદરા પોલીસ ત્રણેયને શિરડીથી વડોદરા લાવી હતી. જે બાદમાં શિક્ષક દંપતી અને કિશોરીની પૂછપરછ કરવામાં આવી હતી.

  પૂછપરછ દરમિયાન કિશોરીએ પોતાના ઘરે જવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. સાથે જ કિશોરીએ તેનું શારીરિક શોષણ કે અન્ય કોઈ અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો પણ ઇન્કાર કર્યો હતો. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યો તેની ઉપેક્ષા કરતા હોવાથી તેણી પોતાના ઘરે પરત જવા માંગતી ન હતી. આ જ કારણે તેણે શિક્ષક દંપતીને તેને સાથે લઈ જવાનું કહ્યું હતું. જોકે, પોલીસને આ કારણો ગળે ઉતરી નથી રહ્યા. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે

   કશ્યપ અને કવિતા કિશોરી સાથે અંબાજી દર્શન માટે ગયા હતા. અંબાજી પહોંચ્યા બાદ કિશોરીએ ઘરે પરત નહીં જવાની જીદ પકડી હતી. કિશોરીના કહેવા પ્રમાણે તેના ઘરમાં તેના ભાઈને વધારે મહત્વ આપવામાં આવતું હતું, જ્યારે તેની ઉપેક્ષા કરવામાં આવતી હતી. જે બાદમાં શિક્ષક દંપતી તેને લઈને અમદાવાદ પહોંચ્યું હતું અને ત્યાંથી ત્રણેય બસ પકડીને શિરડી પહોંચ્યા હતા.

  દંપતી 17 વર્ષની કિશોરી સાથે ગુમ થયા બાદ શિરડી પહોંચ્યું હતું. અહીં તેમણે ભાડે ઘર રાખ્યું હતું. શિરડી ખાતે કશ્યપ અને કવિતા એક હોટલમાં કામ કરા હતા. બાતમી બાદ પોલીસે શિરડી પહોંચીને ત્રણેયની ધરપકડ કરી હતી.

દંપતી અને કિશોરી શિરડી ખાતેથી મળી આવવા પાછળ પણ એક રસપ્રદ ઘટના છે. દંપતીએ શિરડીમાં જે ભાડાની ઘર રાખ્યું હતું તેના પાડોશમાં રહેતા પરિવાર સાથે કિશોરીને ખૂબ ફાવી ગયું હતું. કશ્યપ અને કવિતા જ્યારે કામે જતા હતા ત્યારે કિશોરી ઘરે એકલી રહેતી હતી અને પાડોશી સાથે સમય વિતાવતી હતી. આ દરમિયાન એક દિવસ તેણે પાડોશીના ફોનમાંથી વડોદરા ખાતે રહેતા તેના પિતાને ફોન કર્યો હતો. જોકે, કિશોરીએ કોઈ વાત કર્યા વગર ફોન કાપી નાખ્યો હતો. આવું સતત બેથી ત્રણ વખત બનતા કિશોરીના પિતાને શંકા ગઈ હતી અને આ અંગે તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા ફોન શિરડીથી આવ્યો હોવાનું ખુલ્યું હતું. જે બાદમાં વધુ તપાસ કરતા કિશોરી તેમજ શિક્ષક દંપતી શિરડીમાં રહેતા હોવાનો ખુલાસો થયો હતો.

વડોદરા નજીક બિલ ગામ આવેલું છે. આ ગામમાં કશ્યપ પટેલ અને તેની પત્ની કવિતા પટેલ ઓમ નામે ટ્યુશન ક્લાસિસ ચલાવતા હતા. આ જ ગામમાં રહેતી 17 વર્ષની કિશોરી દંપતીને ત્યાં ટ્યુશનમાં જતી હતી. કિશોરી છેલ્લા ચાર વર્ષથી દંપતીને ત્યાં જ ટ્યુશન માટે જતી હતી. મે મહિનાથી શિક્ષક દંપતી અને કિશોરી ગુમ થઈ ગયું હતં. આ મામલે કિશોરીના પિતાએ તેની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ આપી હતી.

કિશોરી છેલ્લા ચાર વર્ષથી ટ્યુશનમાં આવતી હોવાથી શિક્ષક કશ્યપ પટેલ અને કિશોરીના પિતા મનહરભાઇને પારિવારિક સંબંધો બંધાયા હતા. બંને પક્ષો એકબીજાના ઘરે આવતા જતા હતા. આ દરમિયાન ટ્યુશન ક્લાસમાં આવતી કિશોરીએ ધોરણ-12ની પરીક્ષા આપી હતી, જેમાં તેને સફળતા મેળવી હતી. જે બાદમાં કશ્યપ પટેલ અને કવિતા પટેલ કિશોરીને લઈને અંબાજી ગયા હતા. દંપતીએ કિશોરીને લઈને કોઈ બાધા રાખી હતી જેને પૂરી કરવા માટે તેને લઈને અંબાજી ગયા હતા. અંબાજીથી આ દંપતી કિશોરી સાથે ગુમ થઈ ગયું હતું. દંપતી કિશોરી સાથે અંબાજી પહોંચ્યું ત્યારે કિશોરીએ તેના પિતા સાથે મોબાઇલ ફોન પર વાતચીત પણ કરી હતી.

મનહરભાઈ સાથે તેની દીકરીએ છેલ્લે 30મી મેના રોજ ફોન પર વાત કરી હતી. જે બાદમાં શિક્ષક દંપતી અને તેની દીકરીના મોબાઇલ ફોન બંધ થઈ ગયા હતા. આ મામલે અનેક જગ્યાએ શોધખોળ બાદ કિશોરીના પિતાએ 6 જૂનના રોજ દીકરીના અપહરણની ફરિયાદ આપી હતી.

(10:31 pm IST)