Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના પંથકમાં માવઠાની આગાહી

અમરેલી, વેરાવળ, દાહોદ પંથકોમાં કમોસમી વરસાદ : અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાતાં આગામી ત્રણ દિવસ સુધીમાં ગુજરાતમાં વરસાદની આગાહી : ખેડુતો ચિતાતુર

અમદાવાદ, તા.૧૯ : ગુજરાતમાં ફરીએકવાર વરસાદી માહોલ સર્જાઈ ગયો છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમમોસમી વરસાદ થતા ખેડુતોની હાલત કફોડી બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં અગામી ત્રણ દિવસ સુધી માવઠા માટેની આગાહી કરવામાં આવી છે. બેવડી સિઝનના કારણે લોકોની હાલક કફોડી બનેલી છે. રોગચારાએ માજા મુકી છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ડાંગ, વલસાડ, નવસારી, તાપીમાં ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુકાઈ શકે છે અને વરસાદ થશે. નવરાત્રીમાં વરસાદી માહોલ રહ્યા બાદ હવે દિવાળીમાં પણ વરસાદી માહોલ રહેવાની વાત કરવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪.૪ અને લઘુત્તમ તાપમાન ૨૩.૮ ડિગ્રી રહ્યું હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયકલોનીક સીસ્ટમ અને લો પ્રેશર સર્જાવાને પગલે રાજયમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફુંકાવાની સાથે અચાનક માવઠાનો વરસાદ તૂટી પડયો હતો.

              ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, વેરાવળ, વડેરા, રંગપુર સહિતના પંથકોમાં વરસાદ નોંધાયો હતો. આ જ પ્રકારે દાહોદના ગરબાડા સહિતના પથકમાં પણ છૂટોછવાયો કમોસમી વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ,હજુ પણ તા.૨૩મી ઓકટોબર સુધી વરસાદી માહોલ રહેવાની શકયતા છે. રાજયમાં ફરી એકવાર માવઠાની પરિસ્થિતિને લઇ ખેડૂતો પાકની નુકસાનીને લઇ ભારે ચિંતામાં ગરકાવ થયા છે. હવામાન ખાતા દ્વારા અરબી સમુદ્રમાં સાયકલોનીક સીસ્ટમ અને લો પ્રેશર સર્જાતા માવઠાની આગાહી કરવામાં આવી છે. આમ તો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ નવરાત્રિની જેમ દિવાળી પણ બગડે તેવા એંધાણ સર્જાઈ રહ્યાં છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સીસ્ટમ ફરીથી સક્રિય થતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. હાલ બરવાળા, બગસરા, ગરબાડા, રંગપુર, વડેદામાં વરસાદ વરસી શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતમાં અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ અને ગીર સોમનાથમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દારા નગર હવેલીમાં આગામી બે દિવસ ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન ખાતાની આગાહીને લઇ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માવઠાના કારણે પાકની નુકસાનીને લઇ ચિંતાતુર બની ગયા છે.

(9:53 pm IST)