Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ગૃહમંત્રી અમિત શાહ ૨૫ ઓક્ટોબરે અમદાવાદ શહેરમાં આવશે

પરિવાર સાથે ધનતેરસ ઉજવવાનું આયોજન : ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મંદિરમાં શીશ ઝૂકાવશે

અમદાવાદ, તા.૧૯ : કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી એકવાર આગામી તા.૨૫ અને ૨૬ ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. શાહ અમદાવાદમાં તેમના પરિવાર સાથે ધનતેરસના પર્વની ઉજવણી કરશે.   શાહ તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન સુપ્રસિધ્ધ સોમનાથ મંદિરે સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવશે. ત્યારબાદ અમદાવાદમાં આવીને આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. અમિત શાહનો તા.૨૨મી ઓકટોબરના રોજ જન્મદિવસ હોઇ તેને લઇને પણ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભા વિસ્તારોમાં સરકારી કાર્યક્રમો અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. કલોલની કેઆઇઆરસી કોલેજમાં દિવ્યાંગોની કીટ વિતરણ કાર્યક્રમમાં પણ શાહ ઉપસ્થિત રહેશે.

            ત્યારબાદ કલોલ એપીએમસીના નવા બનેલા કોન્ફરન્સ હોલનું લોકાપર્ણ કરશે, અને સાથે નવ નિર્માણ પામનાર એપીએમસી ભવનનું ખાતમુહૂર્ત કરશે. મહારાષ્ટ્રમાં આવતીકાલે તા.૧૯મી ઓક્ટોબરે નવાપુરામાં અમિત શાહ જાહેરસભાને સંબોધન કરશે. સભાને સંબોધિત કર્યા બાદ ફરી અમિત શાહ ગુજરાત પરત આવશે. તેઓ તા.૧૯મીની રાત્રે કેશોદ એરપોર્ટ પર ઉતરશે. બાદમાં અમિત શાહ સોમનાથમાં રાત્રીરોકાણ કરશે. તો, તા.૨૦મીએ વહેલી સવારે તેઓ સોમનાથ મંદિરમાં દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે. ત્યાંથી અમિત શાહ સીધા અમદાવાદ એરપોર્ટ પર આવશે.

એ પછી અમિત શાહ ફરી એકવાર તા.૨૫મી ઓકટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. બીજીબાજુ, તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા અને તેની ઉજવણીને લઇ ખાસ આયોજન ચાલી રહ્યા છે. અમિત શાહ તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન ગુજરાતની પેટાચૂંટણીને લઇ ભાજપના સ્થાનિક નેતાઓ અને પ્રદેશ સંગઠના આગેવાનો સાથે મહત્વની ચર્ચા વિચારણા કરશે.

(9:42 pm IST)