Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સ્થાનીક પોલીસ સાથે સંબંધો સારા રહે તે માટે લોકલ પોલીસની હાજરી યેનકેન પ્રકારે સાથે બતાવી દેવાતીઃ પરિપત્રની ભીતરમાં

દારૂ-જુગારના દરોડા આરઆરસેલ-પીસીબી-ડીસીબી દ્વારા પાડવામાં આવે ત્યારે સ્થાનીક પોલીસની સંયુકત રેઇડ ન બતાવવા પોલીસ વડાની કડક સુચના : ભુતકાળમાં મહત્વની એજન્સીઓમાં ફરજ બજાવનારના, જે ઉચ્ચ અધિકારી હેઠળ કામ કર્યુ હોય તે બદલાઇ ત્યારે નવા આવનાર નફરતની નજરે જોતા હોવાનો ઘણા અફસરોને વસવસો છે

રાજકોટ, તા., ર૦: રાજયના પોલીસ વડા દ્વારા દારૂ-જુગારના દરોડા જયારે લોકલ પોલીસ સિવાયની બહારની એજન્સી જેવી કે આરઆરસેલ, ડીસીબી અને પીસીબી અને પરિપત્રમાં જેનો ઉલ્લેખ કરવાનું શરતચુકથી રહી ગયેલ છે તેવી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જયારે જે તે પોલીસ મથકની હદમાં બારોબાર દરોડા પાડવામાં આવે છે ત્યારે આવા દરોડાનો હેતુ લોકલ પોલીસની જાણ બહાર પાડવાના હોય છે. લોકલ પોલીસની આંખ ખોલવા જ આવા દરોડાઓ પડાતા હોય છે. પરંતુ પોલીસ તંત્રમાં ગમે ત્યારે ગમે તે અધિકારીને કોઇ સારી બ્રાન્ચ કે એજન્સીમાંથી લોકલ પોલીસમાં બદલવું પડતું હોવાથી ભુતકાળમાં પાડેલા દરોડાનો ખાર રાખી કોઇ તેમની જ હદમાં જાણ બહાર દરોડા પાડે નહિ કે જે ઉચ્ચ અધિકારીની હદમાં દરોડા પાડયા હોય તે ઉચ્ચ અધિકારીની અંડરમાં કામ કરવાનું આવે ત્યારે ભુતકાળની ઘટના યાદ રાખી અન્ય રીતે હેરાન-પરેશાન ન કરે તે માટે આવી એજન્સીઓ દ્વારા સ્થાનીક પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવતા હોય છે.

આવા દરોડા સમયે ઘણી વખત કાગળ પર એવું બતાવવામાં આવે છે કે એજન્સી દરોડો પાડવા પહોંચી ત્યારે યોગાનુયોગ પણ લોકલ પોલીસ બાતમીના આધારે દરોડા પાડવા પહોંચી હતી. ઘણી વખત તો વધારાના પોલીસ ફોર્સની જરૂરત હોવાથી સ્થાનીક પોલીસની મદદ મેળવવા માટે લોકલ પોલીસની મદદ લેવી પડી હતી તેવું કાગળ પર દર્શાવી લોકલ પોલીસને બચાવવા સાથે તેમની સાથે કે તેમના ઉપરી અધિકારી સાથે સંબંધ ખરાબ ન થાય તે માટે સાથે લેવામાં આવે છે. 

ગૃહ ખાતાના ધ્યાનમાં આ બાબત આવી જતા આવા દરોડાઓનો લોકલ પોલીસના સાથને કારણે કોઇ અર્થ રહેતો નથી, લોકલ પોલીસ સામે બેદરકારી બદલ પગલા પણ ભરી શકાતા ન હતા. આમ એજન્સીઓ ઉભી કરવાનું નિરર્થક બનવા લાગતા ગૃહ ખાતાએ રાજયના પોલીસ વડાનું આ બાબતે ધ્યાન દોરતા રાજયના પોલીસ વડાએ એજન્સીઓ દ્વારા જે તે શહેર-જીલ્લામાં પડતા દરોડા સમયે સ્થાનીક પોલીસને કોઇ પણ બહાને સાથે સામીલ ન કરવા અને બીજી રીતે ઇરાદાપુર્વક તેમને છાવરવા નહિ તેવી કડક સુચના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આપવામાં આવી છે.

શિવાનંદ ઝા દ્વારા બહાર પડાયેલ પરિપત્રમાં દારૂ-જુગાર અને અન્ય અસામાજીક પ્રવૃતિઓને અટકાવવા પોલીસ કમિશ્નરો, રેન્જ વડાઓ અને જીલ્લા પોલીસ વડાઓની પ્રાથમીકતા રહેશે તેવી સ્પષ્ટ સુચના આપવા સાથે પરિપત્રનું તાબાના અધિકારીઓ ચુસ્તપણે પાલન કરે તે જોવા પણ તાકીદ કરી છે. (૪.૩)

(4:00 pm IST)