Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ પર્યટનનો બદલાશે નકશોઃ ફુલોની ઘાટી જેવો હશે નઝારો

૧૫૩ મીટરે પ્રતિમામાં ૨૦૦ પર્યટકોની ક્ષમતાવાળી ગેલેરી બનાવાઈઃ ૨ હાઈસ્પીડ લીફટઃ લોખંડી પુરૂષના જીવન ઉપર લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશેઃ આસપાસના પર્વતોમાં ફુલના છોડ રોપાયા

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈના ગૃહરાજય ગુજરાતને આશા છે કે ભારતના લોખંડીપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળકાય પ્રતિમાથી રાજયમાં પર્યટનને વેગ મળશે. ગુજરાતમાં સ્થાપિત થનાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગણાવામાં આવી રહે છે, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ અપાયુ છે. નરેન્દ્રભાઈ આગામી ૩૧ ઓકટોબરે આ પ્રતિમાનું અનાવરણ કરનાર છે.

૧૮૨ મીટર ઉંચી આ વિશાળ પ્રતિમા દેશના પ્રથમ ગૃહમંત્રીને શ્રધ્ધાંજલી હશે, જેમણે ૧૯૪૭માં વિભાજન બાદ રજવાડાઓને ભારતમાં સંમલીત કરવામાં અહમ ભૂમિકા ભજવી હતી. આ પ્રતિમા ચીનમાં આવેલ સ્પ્રિંગ ટેમ્પલ ઓફ બુધ્ધની પ્રતિમાથી પણ ઊંચી છે, ભગવાન બુધ્ધની પ્રતિમા હાલ સૌથી ઊંચી પ્રતિમા છે. જેની ઉંચાઈ ૧૫૩ મીટર છે. જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેના કરતા ૨૯ મીટર અને અમેરીકાની લીબર્ટીથી બે ગણી ઉંચાઈ ધરાવે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી યોજના સરદાર સરોવર નર્મદા નિગમ હેઠળ આવે છે. નિગમના ચેરમેનશ્રી એસ.એમ.રાઠોડે માહિતી આપતા જણાવેલ કે હાલ તેની ગેલેરીને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે, જે ૧૫૩ મીટરે બનાવામાં આવી છે. આ ગેલેરીમાં એકી સાથે ૨૦૦ પર્યટકો સમાવી શકાય તેટલી મોટી છે. અહીંથી સરદાર સરોવર ડેમ, સતપુડા અને વિંધ્ય પર્વતમાળા તથા આસપાસની જગ્યાઓ ચોખ્ખી નિહાળી શકાશે.

વિંધ્યાચલ અને સતપુડાના પર્વતો વચ્ચે નર્મદા નદીના સાધુ બેટ ટાપુ ઉપર બનાવાયેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા પાછળ લગભગ રૂ.૨૩૮૯ કરોડનો ખર્ચ થયો છે. રાજય સરકારના અધિકારીના જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ગુજરાત પર્યટનને મોટો ફાયદો થશે. દરરોજ ૧૫ હજાર પર્યટકો મુલાકાત લે તેવી સંભાવના છે, જેથી આ ગુજરાતનું સૌથી વ્યસ્ત પર્યટન સ્થળ પણ બની જશે.

નર્મદા નિગમના ચેરમેન શ્રી રાઠોડે વધુમાં જણાવેલ કે ૨૫૦ એન્જીનીયરો અને ૩૪૦૦ શ્રમીકો આ પરિયોજનામાં કામ કરી રહ્યા છે. પ્રતિમાની અંદર બે હાઈસ્પીડ લીફટ હશે. જેના વાટે એક વખતમાં ૪૦ લોકો ગેલેરી સુધી જઈ શકશે. ઉપરાંત સરદાર પટેલના જીવન ઉપર લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ પ્રદર્શીત કરાશે.

સ્ટેચ્યુના ઉપરના ભાગમાં બનાવાયેલ ૩૦૬ મીટરના વોક વે ને સંપૂર્ણ રીતે મારબલથી મઢાયો છે. ઉપરાંત દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરીકો માટે વોક વે પણ બનાવાયો છે. રાઠોડના જણાવ્યા મુજબ પરિયોજના સાથે જોડાયેલ બાકી કામો ઉદ્ઘાટન પહેલા પુરા કરી લેવાશે. પ્રતિમા પાસેના પર્વતોમાં કુલ રોપવામાં આવી રહ્યા છે. જેથી અહીંનો નજરો ''ફુલોની ઘાટી'' જેવો દેખાશે.(૩૦.૭)

 

(3:59 pm IST)