Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ભારતની રાજધાની દિલ્હીના સંસદ ભવનમાં પધરામણી તથા ઇન્ડિયા ગેટ પર શહીદોને શ્રદ્ધાંજલિ...

લોકશાહીનું પવિત્ર મંદિર એટલે સંસદભવન. સંસદ ભારતીય લોકશાહીનું અભિન્ન અંગ છે. દિલ્હીની સૌથી પ્રભાવશાળી ઇમારતોમાંની એક છે. ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છે. સંસદનું ઉપલું ગૃહ “રાજ્ય સભા”ના નામેં અને નીચલું ગૃહ “લોકસભા”ના નામે ઓળખાય છે. આમ જોઈએ તો સંસદના ત્રણ અંગ છે. રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. રાષ્ટ્રપતિ સંસદના કોઈ પણ ગૃહના સભ્ય હોતા નથી. લોકસભા સંપૂર્ણ રીતે ભારતના લોકોનું પ્રતિનિધિ કરે છે. જયારે રાજ્યસભામાં રાજ્યના અને કેન્દ્રના વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિ હોય છે. આવા સંસદ ભવનમાં વર્ષો પહેલાં ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સંતો-ભક્તો સહ પધાર્યા હતા...અને ત્યારબાદ હમણાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતો-ભક્તો સહ સંસદ ભવનમાં પધાર્યા હતા. અમદાવાદ પશ્ચિમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ અને ભાજપના રાજકીય પક્ષના સંસદ સભ્ય ડો. કીરિટભાઈ પ્રેમજીભાઈ સોલંકી કે જેઓને તાજેતરમાં લેપ્રોસ્કોપી માટે બી.સી.રોય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ તેઓ લોકસભામાં ગુજરાત, દીવ દમણ અને દાદરા નગર હવેલીના વ્હીપ તરીકેના દરજ્જા ઉપરાંત અનુસુચિત જનજાતિ કલ્યાણ સંસદીય સમિતિના ચેરમેન, સ્ટેન્ડીંગ કમિટી ઓફ ફાઈનાન્સ, ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલ સહિત વિવિધ પાર્લામેન્ટરી સમિતિઓમાં કાર્યરત છે. તેઓશ્રીના દિલ્હીના નિવાસ્થાને તેમજ સંસદ ભવન ખાતે આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતો-ભક્તો સાથે પધાર્યા હતા. અને ત્યાં પૂજન અર્ચન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ત્યાંથી ભારતીય સંસદના સેન્ટ્રલ હોલમાં પધાર્યા હતા. સંસદ ગૃહમાં સેન્ટ્રલ- કેન્દ્રીય હોલનો સમાવેશ થાય છે. જે ગોળાકાર આકાર અને ૯૮ ફીટ વ્યાસ ધરાવે છે. સેન્ટ્રલ હોલને સંસદ ભવનનો ખુબ જ મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે, કારણકે આ જ રીતે ભારતીય બંધારણની રચના કરવામાં આવી છે. તેમાં પધરામણી કાર્ય બાદ તે તે સ્થાનો નિહાળી ઇન્ડિયા ગેટ પધાર્યા હતા.

ભારતના મહત્વનાં જાણીતાં અને ઐતિહાસિક સ્થળોમાં ઇન્ડિયા ગેટનો સમાવેશ થાય છે. યુદ્ધ સ્થાપત્યમાં તેની ગણના થાય છે. દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટનું નિર્માણ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા ૯૦,૦૦૦ સૈનિકોની યાદમાં અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા બાદ શહીદ થયેલા જવાનોની યાદમાં અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું. ૧૯૭૧થી શહીદ થયેલા જવાનોની યાદમાં સતત જ્યોતિ પ્રજ્વલિત રાખવામાં આવે છે. જેને અમર જવાન જ્યોત તરીકે ઓળખવામાં આવે છે.

ઇન્ડિયા ગેટ - અમર જવાન જ્યોત પર ઈ.સ. ૨૦૦૩ માં શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હીના રજત મહોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતો-ભક્તો તેમજ શ્રી મુક્જીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, લંડન સહ પધારી જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ ૧૫ વર્ષ પછી પુનઃ ઇન્ડિયા ગેટ - અમર જવાન જ્યોત પર સંધ્યા સમયે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતો-ભક્તો તેમજ શ્રી મુક્જીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, મણિનગર સહ પધારી જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેને નિહાળવા હજ્જારો સહેલાણીઓ - દર્શનાર્થીઓ ઉમટ્યા હતા.

 

(3:16 pm IST)