Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

પોલીસે ગુજરાતમાંથી પકડી બિલકુલ અસલી જેવી દેખાતી ૫૦૦, ૨૦૦૦ની નકલી નોટો

ઉચ્ચ ગુણવત્તા ધરાવતી નોટ જપ્તીની પ્રથમ ઘટના : પશ્ચિમ બંગાળથી લાવ્યો હતો નોટ

અમદાવાદ તા. ૨૦ : નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સીએ આપેલી માહિતીને આધારે ગુજરાત એટીએસએ સંજય દેવાળીયા નામના એક શખસની રૂ. ૧.૫૨ લાખની નકલી નોટ સાથે ધરપકડ કરી છે. આ શખસ જૂનાગઢની મધુરમ સોસાયટીમાં રહેતો હતો અને આ નકલી નોટ વ્યવહારમાં ફરતી કરવાનો હેતું હતો. એટીએસ માટે પણ સૌથી ચોંકાવનારી એ હતી કે, નકલી નોટમાં પણ અસલી નોટ જેવા સિકયુરિટી ફીચર્સ, વોટરમાર્ક અને સિકયુરિટી થ્રેડ છે.

સંજયે બેન્કના અધિકારીઓને ચલણી નોટ પર સિકયુરિટી થ્રેડ કેવી રીતે નાખવા અને વોટરમાર્ક કેવી રીતે મૂકવા અંગે તે બેન્કના કર્મચારીઓ સાથે જોડાઈ ગયો હતો. એટીએસના એસએસપી હિમાંશુ શુકલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી પ્રથમ વખત ઉચ્ચ ગુણવત્તા ઘરાવતી આટલી મોટી સંખ્યામાં નકલી નોટ જપ્ત કરવામાં આવી છે. ૨,૦૦૦ની ૫૩ નકલી નોટ અને ૫૦૦ની ૯૨ નકલી નોટ એમ નવી કરંસી મળીને કુલ ૧.૫૨ લાખ રૂપિયાની નકલી નોટ એટીએસએ દરોડા પાડીને જપ્ત કરી લીધી હતી.

એટીએસે કહ્યું કે, આ કેસમાં મુખ્ય સુત્રધારની ઓળખ થઈ ચૂકી છે અને તે અમદાવાદનો છે. આ નકલી નોટ તે પશ્ચિમ બંગાળથી એક શખસ સાથે વાટાઘાટ કરીને ગુજરાત લાવ્યો હતો. આ નકલી નોટ એટલી ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે કે, સ્થાનિક સ્તરે આ પ્રકારની ચલણી નોટનું પ્રિન્ટિગ શકય નથી. એટીએસના અન્ય ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ પ્રકારની નકલી નોટ પાકિસ્તાનથી બાંગ્લાદેશ દાણચોરી કરીને ઘૂસાડવામાં આવે છે અને બાંગ્લાદેશથી ભારત લાવવામાં આવે છે.

 

(9:57 am IST)