Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કોંગ્રેસ દ્વારા ભાજપે ઉભી કરેલ મોંઘવારીસમાન રાવણનું દહન

રાવણના પૂતળાનું દહન કરીને કોંગ્રેસ દ્વારા વિરોધઃ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત, ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા સહિતના આગેવાનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા

અમદાવાદ,તા.૧૯ :  દેશભરમાં દિવસેને દિવસે મોંઘવારી દિવસે નહીં એટલી રાત્રે વધી રહી છે અને પ્રજા તેના નીચે દબાવા લાગી છે. જેને પગલે આજે શહેર કોંગ્રેસે મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના વધલે ભાવો અને ખેડૂતોની દયનીય સ્થિતિને વાચા આપવા ભાજપે ઉભી કરેલી મોંઘવારીરૂપી રાવણનું દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, અમ્યુકો વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા સહિતના આગેવાનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તો, કોંગ્રેસના સેંકડો કાર્યકરોએ જોરદાર સૂત્રોચ્ચા અને ભાજપ સરકાર સામે નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આજે કોંગ્રેસે મોંઘવારીના અસહ્ય ત્રાસના કારણે હાલાકી ભોગવી રહેલા લોકો માટે ભાજપ જવાબદાર હોવાના બેનરો અને ભાજપે ઉભી કરેલી મોંઘવારીના પ્રતિકાત્મક રાક્ષસ સાથે રેલી કાઢી હતી. શહેરના રિલિફ રોડથી શરૂ થયેલી આ રેલીમાં ઉંટલારી પર મોંઘવારી રૂપી રાક્ષસનું પ્રતિકાત્મક પુતળું મૂકવામાં આવ્યું હતું, જેના પર ભાજપરૂપી મોંઘવારીના કટાક્ષ કરતા બેનર લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર રેલીમાં અમદાવાદ કોંગ્રેસના શહેર પ્રમુખ શંશીકાત પટેલ, અમ્યુકો વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી તેમજ ધારાસભ્ય ગ્યાસુદ્દીન અને ઈમરાન ખેડાવાળા હાજર રહ્યા હતા. આ રેલી દાણાપીઠ પાસે અમ્યુકોની કચેરી પાસે પહોંચી હતી. ઉંટલારીમાં નીકળેલી આ રેલી કોર્પોરેશન પહોંચ્યા બાદ મોંઘવારીના રાક્ષસરૂપી રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને વિજયાદશમીનો મહોત્સવ મનાવી ભાજપ સરકારને આકરો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસના આજના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં કોંગ્રેસના સેંકડો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર હાય..હાય....સહિતના જોરદાર સૂત્રોચ્ચાર અને નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂકયું હતું. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઇ થોડી વાર માટે ટ્રાફક ચક્કાજામ થઇ ગયો હતો અને વાતાવરણ ઉગ્ર બની ગયુ હતું. દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય જનતા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સહિત મોંઘવારીના માર વચ્ચે પીસાઇ રહી છે તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. આ મોંઘવારી ભાજપ સરકાર દ્વારા ઉભી કરાયેલી છે અને તેના ખપ્પરમાં નિર્દોેષ પ્રજા હોમાઇ રહી છે. ભાજપ સત્તાના નશામાં ગુજરાતની પ્રજાને ભોગ બનાવી રહી છે પરંતુ ગુજરાતની શાણી જનતા આગામી દિવસોમાં તેનો જવાબ ભાજપ સરકારને આપશે તે નક્કી છે.

(11:14 pm IST)