Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

નવરાત્રિ : યુવતીઓની છેડતી કરનારા ૨૭૮ની ધરપકડ થઈ

નશાની હાલતમાં રહેલા અન્ય ૪૩૮ પકડાયાઃ સાદા વસ્ત્રો-ચણિયાચોળી સહિત ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ રહેલી મહિલા પોલીસ સહિત પોલીસનું ઉલ્લેખનીય કાર્ય

અમદાવાદ,તા. ૧૯ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં નવરાત્રિનું પર્વ અને રાસ-ગરબાનો ઉન્માદ આખરે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે સંપન્ન થયો છે પરંતુ નવરાત્રિના આ નવ દિવસ દરમ્યાન અમદાવાદ શહેરમાં એસજી હાઇવે સહિતના વિવિધ વિસ્તારો અને પાર્ટી પ્લોટો કે,કલબોમાં રાસ-ગરબાના સ્થળો સહિતની જગ્યાએ યુવતીઓ અને મહિલાઓની છેડતી કરતાં ૨૭૮થી વધુ રોમીયો અને લુખ્ખાં તત્વોને પોલીસે ઝડપી લીધા હતા. તા.૧૦મી ઓકટોબરથી તા.૧૮મી ઓકટોબર એમ નવ દિવસની નવરાત્રિ દરમ્યાન શહેર પોલીસે દારૂ પીધેલી હાલતમાં ૪૩૮થી વધુ શખ્સોને ઝડપી લઇ તેઓની વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ આકરી કાર્યવાહી પણ કરી હતી. સાદા ગણવેશ અને ચણિયાચોળી સહિત ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઇ મહિલા પોલીસની સ્પેશ્યલ સ્કવોડ અને શહેર પોલીસનો સપાટો નવરાત્રિમાં જોવા મળતાં રોમીયો અને લુખ્ખા તેમ જ દારૂડિયા તત્વો પર તવાઇ આવી હતી.  અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા નવરાત્રી મહોત્સવ અન્વયે સમગ્ર અમદાવાદ શહેરમાં પાર્ટી પ્લોટ, કલબો, શેરીઓમાં ગરબાનું આયોજન થતું હોય તેવા તમામ સ્થળોએ સામાન્ય જનતા ભયમુકત રીતે તહેવાર માણી શક ેતથા યુવતીઓ-મહિલાઓની છેડતીના બનાવો ન બને તેમ જ યુવતીઓ-મહિલાઓ સુરક્ષા અનુભવે, સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ખાસ એકશન પ્લાન ઘડી કઢાયો હતો અને આ માટે ક્રાઇમબ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર, મહિલા ક્રાઇમબ્રાંચના અધિકારીઓ અને સ્ટાફને ખાસ સૂચનાઓ અને નિર્દેશો જારી કરાયા હતા. જેમાં ખાસ કરીને મહિલા પોલીસની સાદા ગણવેશ ઉપરાંત ચણિયાચોળી સહિતના ટ્રેડીશનલ ડ્રેસમાં ખાસ સ્પેશ્યલ સ્કવોડ રચાઇ હતી, જેણે ગરબાના સ્થળોએ સપાટો બોલાવ્યો હતો અને નવરાત્રિના નવ દિવસ દરમ્યાન રાસ-ગરબા દરમ્યાન યુવતીઓ કે મહિલાઓની છેડતી કરતાં કે ટીખળ કરતાં આવા ૨૭૮થી વધુ રોમીયો અને લુખ્ખા તત્વોને ઝબ્બે કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. સાથે સાથે શહેર પોલીસના ચુનંદા અધિકારીઓ અને સ્ટાફના કાફલાએ વાહનચેકીંગ, ગરબાના સ્થળોએ તેમ જ જાહેરસ્થળ સહિતની જગ્યાઓએથી કુલ ૪૩૮થી વધુ શખ્સોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી સપાટો બોલાવ્યો હતો. મહિલા પોલીસની સ્પેશ્યલ સ્કવોડ અને શહેર પોલીસની કામગીરીનો આ આંકડો તા.૧૦થી તા.૧૮ ઓકટોબર એમ નવ દિવસનો છે, જે સરાહનીય અને પ્રશંસનીય છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાંચના ડીસીપી પન્ના મોમાયા તેમજ શહેરના સેક્ટર-૨ અને ઝોન-૪ સ્કવોડે શહેરમાં રાત્રે ગરબા રમીને ઘરે પરત ફરતી યુવતીઓની સુરક્ષા તેમજ ગરબાના સ્થળે યુવતીઓની થતી મશ્કરીના કારણે ખાસ સ્ક્વોડ બનાવી હતી. આ સ્ક્વોડમાં ખાસ સિલેક્ટ કરેલી મહિલા પોલીસકર્મચારીઓ અને અધિકારીઓને દિલફેંક રોમિયોને કઇ રીતે સબક શીખવવો તેની ટ્રેનિંગ આપી હતી.

(11:11 pm IST)