Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને પૂનમનો મહામેળો યોજાયો નથી છતાં મા અંબાનાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને પહોંચ્યા

રવિવારે એક લાખથી વધુ ભક્તોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુંકાવ્યું

ભાદરવી પૂનમને લઈને મા અંબાના ધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને પૂનમનો મહામેળો તો યોજાયો નથી, પરંતુ મા અંબાનાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે. દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ કોરોના ગાઇડલાઇન્સ સાથે મા અંબાનાં દર્શન કરી રહ્યાં છે. જ્યારે ભક્તોની સુરક્ષાને લઇ અંબાજીમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે.

આજે ભાદરવી પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ મા અંબાનાં દર્શન કરી રહ્યા છે. યાત્રીઓની સુરક્ષાને લઇને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત તો છે જ, સાથે સાથે પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની પ્રસાદ વિતરણની વ્યવસ્થા માટે પણ ત્રણ કાઉન્ટર અલગ ઊભાં કરાયાં છે.

તંત્ર દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરાઇ

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓના ઘસારાને જોતા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અને પદયાત્રીઓની માટેની વ્યવસ્થા કરી છે. આજે ભાદરવી પૂનમને લઈને અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓ મા અંબાના ચરણમાં શીશ નમાવી રહ્યા છે. ચાચર ચોકમાં જયઘોષ સાથે ગુંજી રહ્યો છે.

કોરોના મહામારી જલ્દી વિદાય લે તેવી માતાજીને પ્રાર્થના: શ્રદ્ધાળુ

અરવલ્લીથી જિલ્લામાંથી માતાજીના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુ રાઠોડ રાવલે જણાવ્યું હતું કે, હું દર ભાદરવી પૂનમે માતાજીને દર્નાર્થે આવું છુ, પણ જ્યારથી કોરોના મહામારી આવી છે, ત્યારથી આવી શકાતું નથી. આ વર્ષે આવ્યો છુ. રાજ્ય અને દેશમાંથી કોરોના મહામારી જલ્દી વિદાય લે તેવી માતાજીને પ્રાર્થના.

રવિવારે એક લાખથી વધુ ભક્તોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુંકાવ્યું

રવિવારે ચૌદશના દિવસે એક લાખથી વધુ ભકતોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુંકાવ્યું હતું. મંદિર ટ્રસ્ટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, મેળાના પાંચ દિવસ દરમિયાન 3 લાખ 80 હજાર પ્રસાદ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

રાજકોટના રંગીલા પદયાત્રી સંઘે આકર્ષણ જમાવ્યું

રાજકોટનો રંગીલો પદયાત્રી સંઘ રવિવારે માં અંબાના નીજ મંદિરે પહોંચ્યો હતો. પ્રતિ વર્ષે વિવિધ વસ્ત્ર પરિધાન કરીને આવતા પદયાત્રીઓએ માતાજીના શિખર પર ધ્વજા રોહણ કરતા માં અંબાનો ચાચરચોક જયઘોષથી ગુંજ્યો હતો. એ સાથે જ ભાતીગળ પોષાકમાં સજ્જ શ્રદ્ધાળુઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. જોકે પદયાત્રી સંઘે 20 વર્ષ પુરા કર્યા છે.

ચૂંટણી કમિશ્નર શુશિલ ચંદ્રાએ મા અંબાના દર્શન કર્યા

આજે ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું મા અંબાના ચાચર ચોકમાં જય અંબેના ઘોષ સાથે ચાચરચોક ગુંજી ઉઠ્યો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓના ઘસારાને જોતા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભાદરવી પૂનમને લઈને અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓમા અંબાના ચરણમાં શીશ નમાવી રહ્યા છે, ત્યારે ચૂંટણી કમિશ્નર શુશિલ ચંદ્રા પણ માના દર્શન માટે આવી પહોંચ્યા હતા. તેમજ દરેક ભક્તો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી સમયસર થશે.

શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઇ મંત્રી એલર્ટ

ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું મા અંબાના ચાચર ચોકમાં જય અંબેના ઘોષ સાથે ચાચરચોક ગુંજી ઉઠ્યો છે. ત્યારે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ યત્રાધામ અંબાજીમાં કરેલી વ્યવસ્થાની માહિતી મીડિયાને આપી હતી. પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે, શકિત, ભકિત અને પ્રકૃતિના સમન્વય એવા શકિતપીઠ અંબાજીમાં દ૨ વર્ષે ભાદ૨વા માસના શુકલ પક્ષમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે. પરંતુ વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને અને શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પારંપારિક મેળો રદ્દ કરીને યાત્રાળુઓને બાધા/આખડી/માનતા માટે દર્શનની પૂરતી વ્યવસ્થા સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલની જાળવણી સાથે રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે.

વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોની સલામતિ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી

અંબાજીમાં દર્શનાર્થી સાદગીથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાદરવી પૂનમના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોની સલામતિ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. આરોગ્ય સમિતિ ઈમરજન્સી સારવાર સમિતિ, સ્વચ્છતા સમિતિ, રસ્તા મરામત સમિતિ, પાણી પુરવઠા સમિતિ, વિદ્યુત પ્રવાહ સમિતિ, દૂધ અને ખાદ્ય સામગ્રી વિતરણ અને ચકાસણી સમિતિ, અંબાજી તરફના પ્રવેશમાર્ગ પરના નિયંત્રણ અને પાર્કિંગ સમિતિ, હોટલ અને ગેસ્ટ હાઉસ ધર્મશાળા તપાસણી, પ્રવાસી વ્યવસ્થાપન અને યાત્રાળુઓ આવાસ સમિતિ, ગબ્બર ઉપર સંચાલન સમિતિ, રખડતા ઢોરોનું નિયંત્રણ, વીઆઈપી પ્રોટોકોલ અને લાઈઝન સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ, પ્રસાદ વ્યવસ્થા સમિતિ, ઈમરજન્સી રીસ્પોન્સ સમિતિ, વાહનોની ચકાસણી તથા પાસની સમિતિ, વિખુટા પડેલ બાળકો માટે હેલ્પ સેન્ટર એમ જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા

જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા તેમજ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે સુચારૂ અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી મંદિર શકિતદ્વારથી બસ સ્ટેન્ડ સુધી યાત્રિકોની લાઈન વ્યવસ્થાની વચ્ચે કુલ11 જગ્યાઓએ પીવાના પાણી, લગેજપગરખાં કેન્દ્ર, શ્રીફળ સ્ટેન્ડ તથા ૨થ મુકવાની જગ્યા સહીતના વોટરપ્રુફ ડોમની વ્યવસ્થા, વિના મૂલ્યે ભોજન, ચાચરચોકમાં વધારાના પ્રસાદ કાઉન્ટરો, અંબાજી આવતા માર્ગો પર અને અંબાજીમાં ટોઇલેટ બ્લોકની વ્યવસ્થા, ચાચરચોકમાં તથા યાત્રાળુઓના માર્ગો પર પ્રાથમિક સારવાર કેન્દ્રો, અંબાજી મંદિર ૫૨ અદ્યતન ટેનોલોજી યુક્ત એલ.ઈ.ડી. વોલ એન્ડ કોન્સેપ્ચ્યુઅલ ઈન્ટેલીજન્ટ લાઈટીંગ વ્યવસ્થા, યાત્રિકોની સલામતી અને સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થાના નિયમન માટે અંબા તેમજ ગબ્બર ખાતે સી.સી.ટી.વી. કેમેરા, ડી.કે.સર્કલથી મંદિર પરીસર સુધી LEDની વ્યવસ્થા, વધારાની એસ.ટી. બસો, પુરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત. જુદી-જુદી કુલ-14 જગ્યાઓએ પાર્કિંગ વગેરે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

​​​​​​ભક્તોને ઘરે બેઠા ઓનલાઈન આરતીના દર્શન​​​​​​​ કરવા વ્યવસ્થા કરાઇ

દર્શનાર્થીઓ માટે તા.15/9/2021થી તા. 20/9/2021 સુધી સુધી શકિતપીઠ અંબાજી મંદિરનો દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે મુજબ દર્શન સવારે 6 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી, બપોરે 12:30થી ૫ વાગ્યા સુધી તેમજ સાંજે 7 વાગ્યાથી રાત્રિના 1:30 વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા કરાઈ છે. ભક્તો ઘરે બેઠા જ ઓનલાઈન આરતી દર્શન કરી શકે તેવી સુચારૂ વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. તા.15/9/2021થી તા. 20/9/2021 સુધી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઈટ, ફેસબુક, યુ ટ્યુબ, ટ્વીટર તથા લાઈવ સ્ટ્રીમીંગ સર્વર ઉપર લાઈવ દર્શનનો લાભ માઈભક્તો લીધો છે.​​​​​​​

અદ્યતન ટેક્નોલોજી યુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ

પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યુ કે, વિશ્વકક્ષાની આધુનિક ઉચ્ચકક્ષાની ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. અદ્યતન ટેક્નોલોજી યુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરીને સુરક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. કેમેરામાં હાઈ રીઝોલ્યુશન યુક્ત ઓડિયો તેમજ વીડિયો કલાઉડબેઝ સિસ્ટમ ઉ૫૨ રેકોર્ડ થાય છે.

આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હોય છે. જે તે સ્થળનું લાઈવ ઓડિયોવીડિયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે તેમજ તેને ક્યારેય પણ ડીલિટ કરી શકાતું નથી. આ કેમેરાના સોફટવેર તેમજ હાર્ડવેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ ગુણવતાયુકત તેમજ સુ૨ક્ષાયુકત ઉપક૨ણોનો ઉપયોગ કરવામાં આવેલા છે. સંદિગ્ધ વ્યક્તિઓ અને સુલેહ શાંતિનો ભંગ ક૨તા ઈસમો ઉ૫૨ બાઝ નજર રાખવામાં આવી રહી છે.

(5:37 pm IST)