Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વડોદરા-હાલોલ-સાબરકાંઠાના વિજયનગર અને ખેડાના ઠાસરામાં પોણા 2 ઇંચ વરસાદ વરસ્‍યોઃ ગુજરાતના 115 તાલુકામાં 24 કલાકમાં હળવો વરસાદ પડયો

હજુ રાજ્‍યના 8 જીલ્લાઓમાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ વડોદરા, હાલોલ, સાબરકાંઠાના વિજયનગર અને ખેડાના ઠાસરામાં પોણા બે ઇંચ નોંધાયો છે. તો બીજી તરફ ખેડાના ગળતેશ્વર અને પંચમહાલના ઘોઘંબામાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 13 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દરનિયાન સૌથી વધુ વરસાદ મહેસાણાના ઉંઝામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.

જો કે, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં લો પ્રેશર સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા તેમજ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સપ્ટેમ્બરમાં સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 80 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં હજુ પણ 20 ટકાની ઘટ છે. રાજ્યના 8 જિલ્લાઓમાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની ઘટ ઓછી થઈ શકે છે. રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ ઘટ છે, જેમાં દાહોદમાં સૌથી વધુ 47 ટકા ઘટ છે. તેની સામે 8 જિલ્લામાં 5 થી 45 ટકા વધુ વરસાદ પડ્યો છે. જેમાં દ્વારકામાં સૌથી વધુ 45 ટકા વરસાદ પડ્યો છે.

(4:59 pm IST)