Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

હવામાન વિભાગે કરી આગાહી

ઉત્તર - દક્ષિણ - મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી ધડબડાટી બોલાવશે મેઘરાજા

ગાંધીનગર તા. ૨૦ : ગુજરાતમાં મેઘરાજાએ મન મુકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શકયતા વ્યકત કરી છે. વરસાદની શકયતાને જોતો હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે થી અતિભારે વરસાદની શકયતાઓ સેવાઈ રહી છે. સાયકલોનિક સકર્યુલેશને કારણે રાજયમાં વરસાદ ફરી વરસાદનું જોર વધી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે તો રાજયમાં સારા વરસાદને કારણે હવે પાણીનો પ્રશ્ન હળવો બન્યો છે. વરસાદ ખેંચાતા ગુજરાતમાં પીવાના અને ખેડૂતોના સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાઈ હતી જો કે હવે વરસાદના કારણે ચેકડેમોમાં પાણીની આવક થઈ છે ડેમો ઓવરફલો થતા હવે પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હળવો બન્યો છે મહત્વનું છે કે હજુ ગુજરાતમાં ૧૮ ટકા જેટલા વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે આ ઘટ આ મહિનામાં પુરી થાય તેવું પણ હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરી છે, તો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા સારા વરસાદને કારણે નદી, તળાવો અને ડેમોમાં પાણીના સારી આવક થઈ છે એકલા સૌરાષ્ટ્રમાં જ ૨૪ કલાકમાં ૧૩ ડેમમાં અડધાથી લઈ ૩ ફૂટ સુધી નવા નીરની આવક થઈ છે તો સૌરાષ્ટ્રના ભાદર-૨, આજી-૩, ન્યારી-૩ ડેમ ગમે ત્યારે ઓવરફલો થવાની તૈયારીમાં છે, જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ૮૧ માંથી ૩૯ ડેમ છલકાઈ ગયા છે જયારે સૌથી મોટો ભાદર ડેમ છલકાવવામાં ૧.૮૦ ફુટ બાકી છે.

(4:05 pm IST)