Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં ગુજરાતમાં ૧૦%નો વધારો

એક વર્ષમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર ૪.૪ કરોડમાંથી ૪.૮ કરોડ

અમદાવાદ તા. ૨૦ : મહામારીના કારણે ઇન્ટરનેટની માંગ વધતા ૨૦૨૦માં ગુજરાતમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબરો વધ્યા છે. ટ્રાઇના આંકડાઓ અનુસાર ગુજરાતમાં ૨૦૨૦માં સબસ્ક્રાઇબરો ૩૧ ડીસેમ્બર ૨૦૨૦ના રોજ ૪.૮ કરોડે પહોંચ્યા છે જે એક વર્ષ પહેલા ૪.૪ કરોડ હતા. ટેલીકોમ ઇન્ડસ્ટ્રીના સૂત્રો અનુસાર વધુને વધુ લોકો ઘરેથી કામ કરી રહ્યા હોવાના કારણે આ વધારો જોવા મળ્યો છે.

એક સૂત્રએ કહ્યું કે લોકડાઉનના કારણે દરેક ધંધાકીય વર્તુળોએ ડીજીટલ વર્ક શરૂ કર્યું અને તેના માટે ઇન્ટરનેટ જરૂરી બની ગયું છે એટલે વધુને વધુ લોકો બ્રોડ બેન્ડ અને મોબાઇલ ઇન્ટરનેટ કનેકશન માંગતા થયા. લોકોના વર્કફ્રોમ હોમ અને શિક્ષણ પણ ઓનલાઇન થવાના કારણે માંગ વધી ગઇ.

ટ્રાઇના આંકડાઓ અનુસાર કનેકશનોની સંખ્યા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વધી છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં તેની ગતિ વધારે રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સબસ્ક્રાઇબરોમાં આ સમયગાળામાં ૧૩ ટકા વધારો થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં તે ૮.૯ ટકા રહ્યો હતો. હાઇસ્પીડ કનેકશનમાં પોતાના કનેકશનને ફેરવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. નેરોબેન્ડ ઇન્ટરનેટ વાપરનારા લોકોની સંખ્યા ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦માં ૨૮.૫ ટકા ઘટી છે.

ટેલીકોમ ક્ષેત્રના એક સૂત્ર અનુસાર દરેક ઘરમાં વર્કફ્રોમ હોમ અથવા ઓનલાઇન શિક્ષણ લેનારા એકથી વધુ મેમ્બર થવાના કારણે બેન્ડવીથ વધારવાની જરૂર પડી. વીડિયો કોલીંગ અને વીડીયો કોન્ફરન્સમાં વધારો, ઓનલાઇન સ્ટ્રીમીંગના મોટા કન્ટેન્ટ જોવા આ બધાના કારણે બેન્ડવીથની જરૂરીયાતમાં ઉછાળો આવ્યો અને એટલે વધુને વધુ લોકો હાઇસ્પીડ કનેકશન તરફ વળ્યા હતા.

(3:19 pm IST)