Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સોમવારે ઓવૈશી અને હાઇસિક્યુરીટીમાં રહેલ અતિક એહમદ વચ્ચે સાબરમતી જેલમાં થશે મુલાકાત: અનેકવિધ અટકળો

ભાજપને ફાયદા માટે દેશના મુસ્લિમો સાથે માત્ર પોતાની રાજકીય સુરક્ષા અને આર્થિક હીત ખાતર ભોળા મુસ્લિમ સમાજને વાકચાતુર્યથી ધાર્મિક ભાવનાઓ દ્વારા છેતરવાનો પ્રયાસ: ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ માટે અત્યંત શરમજનક ઘટના: ગ્યાસુદ્દીન શેખ

અમદાવાદ : ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસ્લીમીન ( AIMIM )પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસદ સભ્ય બેરીસ્ટર અસદુદ્દીન ઓવૈશી આવતીકાલ અમદાવાદ પ્રવાસે આવવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાબરમતી જેલમાં રહેલાં હાઇપ્રોફાઇલ ગુનેગાર અતિક અહમદની મુલાકાત પણ લેવાના છે. તેને લઇને દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આપેલા નિવેદનમાં ગાંધી અને સરદારની ધરતી અમદાવાદની સાબરમતી જેલની મુલાકાતે આવી રહ્યાં છે જે માત્ર ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ માટે અત્યંત શરમજનક ઘટના ગણાવી છે.

ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુનેગાર અલ્હાબાદના અતિક અહમદ સામે 103 ખૂન કેસ, અપહરણ, લૂંટ, ખંડણી જેવા અસંખ્ય ગંભીર પ્રકારના ગુના ઉત્તર પ્રદેશનમાં નોંધાયેલા છે. તેના પર જોખમ હોવાના કારણસર જ તેને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હાઇપ્રોફાઇલ ગુનેગાર હોવાથી તેને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં હાઇ સીકયુરીટીમાં રાખવામાં આવ્યો છે. તેની આવતીકાલે ઓવૈશી સવારે 10 વાગ્યે મુલાકાતે આવનાર છે. એક કલાક સુધી મુલાકાત ચાલે તેવી શક્યતાઓ છે.

આ અંગે દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના બેનર પર એક સમયે 12 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાઇને આવતા હતા. પરંતુ ભાજપના હિન્દુ-મુસ્લિમ મતોનું ધ્રુવીકરણની રાજનીતિના પરિણામે આજે ફક્ત 3 જ મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાઇને આવે છે. ગુજરાત પ્રદેશમાં મુસ્લિમ સમાજની વસ્તી માત્ર 9.67 ટકા છે. જમાલપુર વિધાનસભામાં મુસ્લિમ સમાજની વસ્તી 52 ટકા છે. 2012માં કોંગ્રેસના સમીરખાન સામે જયારે સાબીર કાબલીવાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ત્યારે એક માત્ર મુસ્લિમ મતો ઉપર ચૂંટાઇ શકતી જમાલપુર બેઠક મત વિભાજનને કારણે આઝાદી પછી પ્રથમ વખત ભાજપના ખોળે ગઇ હતી. અને દરિયાપુર બેઠક મુસ્લિમ સમાજની સાથે 20 હજાર સેક્યુલર હિન્દુ ભાઇઓના મત ના મળે તો જીતવી અશક્ય છે. સૌથી અઘર ગણાતી વાંકાનેર બેઠક પર તો મુસ્લિમ સમાજના ફક્ત 24 ટકા મત છે. પરંતુ જાવેદ પીરઝાદા એક ધર્મગુરુની સાથે સેક્યુલર છબી ધરાવતાં હોવાથી 30 હજારથી વધુ હિન્દુ ભાઇઓના મત મળતા હોવાથી જીતી શકાય છે.

અસદુદ્દીનની કટ્ટર છબી તથા ગાંધી અને સરદારના ગુજરાતમાં અતિક અહેમદ જેવા બાહુબલી હીસ્ટ્રીશીટરની મુલાકાત પછી જમાલપુર, દરિયાપુર અને વાંકાનેરની બેઠક પર ઓવૈશીની પાર્ટીને હિન્દુ સમાજના મત મળશે નહીં. ઓવૈશીના તૈજાબી ભાષણોના પરિણામે ધ્રુવીકરણના ભાગરૂપે કોંગ્રેસને સેક્યુલર મુસ્લિમ ઉમેદવારોને મળતા હિન્દુ સમાજના માતો પણ ભાજપના ખોળામાં જશે. તો શું ઓવૈશી ગુજરાત વિધાનસભાને મુસ્લિમ મુક્ત બનાવવાના ભાજપના મિશનને સફળ બનાવવા આવી રહ્યાં છે.

તેમણે વધુમાં સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું છે કે, હાઇ સીકયોરીટીમાં રહેલા ગુનેગારને મળવા માટેની મંજુરી ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરવાનગી વગર કોઇપણ રાજકારણી અતિક અહમદને મળી શકે નહીં. આનો અર્થ એ થાય કે અતિક અહમદ અને ઓવૈશીની મુલાકાત ગોઠવી આપવામાં સરકારના છૂપા આર્શીવાદ છે. આ અસદુદ્દીન ઓવૈશી હૈદરાબાદમાં વકફ પ્રોપર્ટી સહિત અબજો રૂપિયાના કરેલા ગોટાળાઓના આક્ષેપોના કારણે જેલમાં જવું ના પડે માટે કેન્દ્ર સરકારને વશ થઇને ભાજપને ફાયદા માટે દેશના મુસ્લિમો સાથે માત્ર પોતાની રાજકીય સુરક્ષા અને આર્થિક હીત ખાતર ભોળા મુસ્લિમ સમાજને વાકચાતુર્યથી ધાર્મિક ભાવનાઓ દ્વારા છેતરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ઓવૈશીનો કાર્યક્રમ આ મુજબ છે

– સવારે 7 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન, ત્યાંથી હોટલ લેમન ટ્રી, ખાનપુર પહોંચશે
– સવારે 9-30 કલાકે હોટલ પરથી રિવર ફ્રન્ટ થઇ સાબરમતી મધ્યસ્થ જેલ પહોંચશે
– સવારે 10થી સાબરમતી મધ્યસ્થ જેલમાં હાઇપ્રોફાઇલ ગુનેગાર અતિક અહમદ સાથે મુલાકાત
– સવારે 11-30 કલાકે સાબરમતી જેલથી સુભાષબ્રીજ, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, લીંમડી જોર્ડન રોડ, દરિયાપુર થઇ બપોરે 12-45 કલાકે મિરઝાપુર કુરેશ ચોક થઇ લેમન ટ્રી હોટલ પહોંચશે
– બપોરે 3-45 કલાકે હોટલ લેમન ટ્રી પરથી જિલ્લા પંચાયત, લાલદરવાજા, વિકટોરિયા ગાર્ડન, ખમાશા ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, ગીતા મંદિર રોડ, મજૂર ગામ થઇ શાહેઆલમ દરગાહ પહોંચશે
– સાંજે 5-30 કલાકે અખબારની મુલાકાત લઇ ચોકીદાર બાવાની દરગાહ થઇ ચંડોળા પેટ્રોલ પંપ, દાણીલીમડા ચાર રસ્તા થઇ જમાલપુર પહોંચશે
– સાંજે 7-15 કલાકે ટાગોર હોલ, પાલડી ખાતે નવનિયુક્ત હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત
– રાત્રે 10 કલાકે ટાગોર હોલ, પાલડીથી સરદારબ્રીજ, રિવરફ્રન્ટ થઇ હોટલ લેમન ટ્રી જશે.

(10:33 pm IST)