Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

નડિયાદના શ્રેયસ ગરનાળામાં માલવાહક રિક્ષા ફસાઈ ફાયર બ્રિગેડની ટીમે ત્યાં આવી પહોંચી અને રિક્ષા ચાલકનું રેસ્ક્યુ કર્યુ

નડિયાદમાં  વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હોવાથી એક રિક્ષા ચાલક આજે ભારે મુશ્કેલીમાં ફસાયો હતો. નડિયાદના શ્રેયસ ગરનાળામાં માલવાહક રિક્ષા ફસાઈ ગઈ હતી. ગરનાળામાં પાણી વધતા રિક્ષા ચાલક રિક્ષા સાથે ફસાઈ ગયો હતો .

પાણી વધતા રિક્ષા ચાલક જીવ બચાવવા રિક્ષાની ઉપર બેસી ગયો હતો. વરસાદના કારણે ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે આ ઘટના બની હતી. બાદમાં ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે ત્યાં આવી પહોંચી અને રિક્ષા ચાલકનું રેસ્ક્યુ કર્યુ હતું. 30 મિનિટની જહેમત બાદ રિક્ષા ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન રિક્ષા ચાલકનો જીવ તાવળે આવી ગયો હતો. પરંતુ ફાયર બ્રિગેડની ટીમે તેને હેમખેમ બહાર કાઢી દીધો.

 રાજ્યમાં ચોમાસું હાલ સક્રિય છે અને મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. આજે 19 સપ્ટેમ્બરે રાજ્યના 89 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરામાં વરસાદ પડ્યો. સૌથી વધુ ખેડાના ગળતેશ્વર અને પંચમહાલના હાલોલમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો પંચમહાલના ઘોઘંબા , વડોદરાના ડભોઇ અને આણંદના અંકલાવમાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં નડિયાદમાં પાણી ભરાઈ જતા આજે આવી ઘટના જોવા મળી હતી.

(10:19 pm IST)