Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અંબાજીમાં મંદિરમાં લાગ્યા વિશેષ કેમેરા : મંદિરમાં પ્રવેશતા પહેલા અસામાજીક તત્વોને ઓળખી પોલીસને આપશે એલર્ટ

પોલીસ અને મંદિર ટ્રસ્ટ દ્વારા ફેસ રીકગનાઈઝ સિસ્ટમ કાર્યરત કરાઈ: સંદિગ્ધ વ્યક્તિઓ તથા સુલેહ-શાંતિનો ભંગ કરતા શખ્સો ઉપર બાઝ નજર

અંબાજી : શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન માટે અંબાજી મંદિર આવતા હોય છે. અંબાજીમાં પાકીટ ચોરીના બનાવો ભીડમાં બનતા હોય છે. જે અટકાવવા હવે પોલીસે ટેકનોલોજીની મદદ લીધી છે. મંદિરમાં પ્રવેશતા જ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે ચોરી અને અસામાજીક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને ઓળખી પોલીસને જાણ કરશે.

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને કલેકટર આનંદ પટેલ અને પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ અત્યંત આધુનિક હાર્ડવેર અને સોફટવેર ધરાવતા કેમેરા દ્વારા અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. અંબાજીમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ યુક્ત ફેસ રીકગનાઈઝ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમમાં ગુનાહિત પ્રવૃતિઓ અને સંદિગ્ધ વ્યક્તિઓ તથા સુલેહ-શાંતિનો ભંગ કરતા શખ્સો ઉપર બાઝ નજર રાખવામાં આવી રહી છે.

 

આ સિસ્ટમ અંગે મદદનીશ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે બનાસકાંઠા પોલીસે ગુનાહિત પ્રવૃતિઓમાં સંકળાયેલ ઈસમોનો ડેટાબેઝ તૈયાર કર્યો છે. ચોર, ભાગેડુ, ગુનેગારોનો ડેટા ફોટા સહિત સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવેલ છે. જયારે આ કેમેરામાં આવા ઈસમો દેખાશે ત્યારે એલર્ટ મેસેજ પોલીસ વિભાગને તેમજ સુરક્ષા એજન્સીઓને પ્રાપ્ત થશે. જેથી તાત્કાલીક આવા ઈસમો પર કાયદાકીય પગલાં લઈ શકાશે.

ભાદરવી પૂનમના સમયગાળામાં આ પ્રકારની ટેકનોલોજીયુક્ત આધુનિક કેમેરા તથા હાર્ડવેર સોફટવેરનો ઉપયોગ કરી જિલ્લા પ્રશાસન, પોલીસ તંત્ર, દેવસ્થાન ટ્રસ્ટના સંકલનથી અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરાઇ છે.

ગુજરાતના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર ફેસ રીકગનાઈઝ સિસ્ટમ કાર્યરત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા તેમજ તહેવારો નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે ભક્તોની સુરક્ષા માટે આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. જેથી અંબાજી આવતા ભક્તોની સુરક્ષા વધુ સુદ્રઢ થઈ શકે.

(9:15 pm IST)