Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ગાંધીનગરના સામ્રાજય ફાર્મ માલિક અને કોંગી અગ્રણી પ્રવિણ માણિયાની ગોળી મારી કરપીણ હત્યા કરાઇ

પ્રવિણ માણિયા અને તેના બે મિત્રો વચ્ચે કોણ સારી પાર્ટી આપે તેની હુસાતુસીમા તકરાર હત્યામાં પરીણમી : સામ્રાજય ફાર્મમાં જ હાદિૃક પટેલની અવાર-નવાર મિટીંગો યોજાતી હતી

ગાંધીનગર : હાર્દિક પટેલ જ્યાં મિટિંગો યોજતો હતો તેવા ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મમાં તેના જ માલિક અને કોંગ્રેસના આગેવાન પ્રવિણ માણિયાની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે એવો દાવો કર્યો છે કે, હડમતિયા- સરગાસણ રોડ પર આવેલા સામ્રાજ્ય ફાર્મ ખાતે જમીન દલાલ પ્રવિણ માણિયા અને તેના બે મિત્રો વચ્ચે પાર્ટીમાં કોણ વઘારે સારી પાર્ટી આપે તે બાબતને લઇને શરૂ થયેલી સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ લીધું હતુ.

જેમાં એક મિત્રએ જમીન દલાલ પ્રવિણ માણિયાની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. તો અન્ય આરોપીએ પ્રવિણ માણિયાએ તલવાર મારતા ઇજાઓ થઇ હતી. શુક્રવારે રાતના સમયે બનેલી આ ઘટના બાદ મુખ્ય બે આરોપી, બોપલનો તરૂણસિંહ ઝાલા અને તારાપુરનો જયદિપસિંહ ગોહિલ નાસી જતાં ગાંધીનગર સેક્ટર-7 પોલીસ તેમને શોધી રહી છે. આ પાર્ટીમાં હાજર અન્ય સાત જેટલા લોકોને અટક કરીને પોલીસે પુછપરછ શરૂ કરી છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે ગાંધીનગર સરગાસણ સિધ્ધરાજ ઝેડમાં રહેતા 57 વર્ષીય પ્રવિણ માણિયા જમીન મકાન લે વેચનું કામ મોટાપાયે કરતા હતા. તેમજ તે હડમતિયામાં આવેલા સામ્રાજ્ય ફાર્મની માલિકી પણ ધરાવતા હતા. જ્યાં અવારનવાર તે મિત્રો સાથે નાની મોટી પાર્ટી કરતા હતા. શુક્રવારે રાતના સમયે પ્રવિણ માણિયાએ તેના મિત્રો તરૂણસિંહ ઝાલા (રહે.બોપલ) અને જયદીપસિંહ ગોહિલ (રહે. તારાપુર), હરપાલસિંહ , મોહિત સહિત દશ જેટલા લોકોને પાર્ટી માટે બોલાવ્યા હતા.

ત્યારે રાતના દશેક વાગ્યાના સુમારે પ્રવિણ માણિયાને જયદિંપસિંહ અને તરૂણસિંહ સાથે પાર્ટી બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી. જેમાં પ્રવિણ માણિયાએ કહ્યું હતું કે તેના જેવી પાર્ટી આપવાની હેશિયત કોઇની નથી. જેમાં જયદિપસિંહે ગુસ્સામાં આવીને પ્રવિણ માણિયા પર રિવોલ્વર તાંકી દીધી હતી અને તરૂણસિંહે પ્રવિણ માણિયા પર તલવાર પણ મારી દીધી હતી.

આ સમયે જયદિપસિંહે પિસ્તોલમાંથી ગોળીને છોડીને પ્રવિણ માણિયાની છાતીમાં ધરબી દેતા થોડીવાર માટે સન્નાટો ફેલાઇ ગયો હતો અને સ્થિતિની ગંભીરતાને જાણીને જયદિપસિંહ અને તરૂણસિંહ ત્યાંથી તેમની કારમાં ફરાર થઇ ગયા હતા. આ સમયે ફાર્મના ચોકીદારે તેમને રોકવાનો પ્રયત્ન કરતાને તેને મારવાની ધમકી આપી હતી. તો બીજી તરફ પ્રવિણ માણિયાને તાત્કાલિક સરગાસણ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાં સુધીમાં તેમનું મરણ થઇ ચુક્યુ હતું.

આ બનાવની જાણ થતા ડીવાયએસપી એમ કે રાણા, સેક્ટર-7 પોલીસ સ્ટેશનના પીઆઇ ડી એ ચૌધરી, એલસીબીના પીઆઇ હરદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ડીવાયએસપી એમ કે રાણાએ જણાવ્યું કે આ પાર્ટીમાં હાજર અન્ય લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે અને ફરાર આરોપીઓની ઝડપી લેવા માટે વિવિધ ટીમ તૈયાર કરવામાં આવી છે, સાથેસાથે પોલીસ સીસીટીવી પણ તપાસી રહી છે.

પ્રવિણ માણિયા કોંગ્રેસના સક્રિય કાર્યકર હોવાથી તેમણે ફાર્મ હાઉસને પાટીદાર અનામત આંદોલન સમિતિ માટે ખુલ્લુ મુકી દીધુહતું. જ્યારે હાદક પટેલ, દિનેશ બાંમભણિયા સહિતના નેતાઓ નિયમિત રીતે બેઠક કરતા અને રણનિતી પણ નક્કી કરતા હતા. પ્રવિણ માણિયા મુળ ભાવનગરના હોવાથી તેમણે પંચાયતની ચૂંટણીમાં પણ હાથ અજમાવ્યો હતો. પણ બે વાર તે ચૂંટણી હારી ગયા હતા.

(1:38 pm IST)