Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

આજે વડોદરામાં અર્ધલશ્કરીદળો સહિત ૭ હજાર જવાનોના બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન થશે

પોલીસના ર૮૦૦ તેમજ હોમગાર્ડના ૩૬૦૦ જવાનો બંદોબસ્તમાં સામેલ થવાના છે

વડોદરામાં આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે અર્ધ લશ્કરી દળો સહિત ૭ હજાર જેટલા જવાનો બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવ્યા છે. ગણેશ ભક્તોને ફક્ત ચાર કૃત્રિમ તળાવોમાં જ શ્રીજી વિસર્જન કરવા તાકિદ કરવામાં આવી છે.

ગણેશ ચતુર્થીને દિવસે શહેરમાં દુંદાળા દેવનું વાજતેગાજતે સ્થાપન કરવામાં આવ્યું હતું. દસ દિવસનું આતિથ્ય માણી આવતીકાલે તા.૧૯મીએ અનંત ચતુર્દશીએ ગણેશજી વિદાય લેનાર હોવાથી વિસર્જન માટે ચાર કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે.

વડોદરા શહેર પોલીસ કમિશનરે આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે રેપિડએક્શન ફોર્સની એક કંપની તેમજ એસઆરપીની ૯ કંપની તૈનાત રાખી છે. આ ઉપરાંત તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસના ૨૮૦૦ જવાનો અને હોમગાર્ડના ૩૬૦૦ જવાનો પણ બંદોબસ્તમાં જોડાશે.

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા પણ ૨૭૭ જવાનોને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે. ચાર કૃત્રિમ તળાવો ઉપરાંત કપૂરાઇ, સયાજીપુરા અને હરણી મોટનાથ તળાવ ખાતે પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જો કે આ તળાવોમાં વિસર્જન થતું નથી. પરંતુ રવિવારે કેટલીક પ્રતિમાનું વિસર્જન થયું હોવાથી ત્યાં પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ચાર દરવાજા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ચાર ઇમરજન્સી વાન તૈનાત

કૃત્રિમ તળાવો સિવાયના તળાવોમાં ગણેશ વિસર્જન ના થાય તે માટે પોલીસ ખાસ નજર રાખશે.

પ્રાપ્ત વિગતો મુજબ, પોલીસ દ્વારા ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે. પોલીસ કુદરતી તળાવો પર પણ વિસર્જનના થાય તેનું ધ્યાન રાખશે.

આ ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં જુદા જુદા સ્થળે ચાર ઇમરજન્સી વાન સાથેનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

(1:37 pm IST)