Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ આવી જતા દર્દી ભાગી ગયો

અમદાવાદના શિવરંજની વિસ્તારનો બનાવ : કોરોના વાયરસના કેસ વધતા શિવરંજની ચાર રસ્તા પાસે રેન બસેરામાં કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું

અમદાવાદ, તા.૨૦ : અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ જ્યાં કેસો વધી રહ્યા છે ત્યાં ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે શિવરંજની પાસે રેનબસેરામાં ૨૫ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ત્યાંથી ભાગી ગયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ સારવાર માટે એમ્બ્યુલન્સ માટે કહેતા દર્દી ત્યાંથી ભાગી ગયો હોવાથી સેટેલાઈટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. મીડિયા રિપોર્ટ મુજબ શિવરંજની પાસે રેન બસેરામાં ૨૫ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી શિવરામ મારવાડી પણ ત્યાં કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે આવ્યો હતો. ટેસ્ટમાં તેનો કોરોનોનો રિપોર્ટ પોઝિટિવ આવતા હેલ્થની ટીમે તેને જરૂરી સામાન લઈને એમ્બ્યુલન્સમાં બેસવાનું કહ્યું હતું, જોકે શિવરામ મારવાડી ત્યાંથી ભાગી ગયો હતો.

         કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે, રેન બસેરામાં કોરોનાની ટેસ્ટની કામગીરી ચાલતી હતી ત્યારે કોરોનાનો એક દર્દી ભાગી ગયો હતો. જેના આધારે પોલીસ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે. અમદાવાદમાં કોરોના વાયરસની પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. દૈનિક કેસની સંખ્યા ૧૫૦ની ઉપર નોંધાય છે. તંત્રના પ્રયાસ છતાં કેસની સંખ્યામાં કોઈ જ ઘટાડો થઈ રહ્યો નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૧૫૯ દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં ૨૬ નવા કેસ સામે આવ્યા છે અને ૨૫ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓનું મૃત્યુ થયું છે.

(7:45 pm IST)