Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

વિસનગરમાં બે બાળકોના ગુંગળાઈ જવાથી મોત થયા

રમતા રમતા બે બાળકો કબાટમાં સંતાયા હતા : દૂર્ઘટનામાં સ્થાનિક પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી, અંતિમ સંસ્કાર કરાતા ગામ હિબકે ચઢ્યું હતું

વિસનગર, તા.૨૦ : વિસનગરના બોકરવાડા ગામની એક કરૂણ ઘટના સામે આવી છે. ૯ અને ૧૦ વર્ષનાં બે બાળકો રમતા રમતા એક કબાટમાં સંતાઇ ગયા હતા. જે બાદ કબાટ ન ખૂલતા બંન્નેના ગૂંગળાઇ જવાથી મોત થયાના અનુમાન છે. શુક્રવારે રાત્રે એક બંધ મકાન આગળ પડેલા સ્લાઇડરવાળા કબાટમાંથી બંન્નેની લાશો મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. હાલ બાળકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિસનગર સિવિલમાં મોકલી દેવામાં આવ્યાં છે. આ દૂર્ઘટનામાં સ્થાનિક પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે. બંન્ને મિત્રોના એકસાથે અંતિમ સંસ્કાર કરાતા આખુ ગામ હિબકે ચઢ્યું હતું. આ અંગે મળતી માહિતી પ્રમાણે, વિસનગર તાલુકાના બોકરવાડા ગામમાં રમવા ગયેલા બે બાળકોની શુક્રવારે રાત્રે એક બંધ મકાન આગળ પડેલા સ્લાઇડરવાળા કબાટમાંથી લાશો મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. બંને બાળકોનું ગૂંગળામણથી મોત થયાનું બહાર આવ્યું છે.

            બોકરવાડા ગામના પટેલ દિનેશભાઇ લીલાભાઇનો ૧૦ વર્ષનો પુત્ર સોહન શુક્રવારે સાંજના ૪ કલાકે ગામમાં પટેલ હર્ષિલકુમાર મનીષભાઇના ઘરે રમવા ગયો હતો. મોડે સુધી ઘરે પરત નહીં આવતાં દિનેશભાઇએ હર્ષિલના ઘરે તપાસ કરતાં તે પણ ઘરે ન હતો. જે બાદ બંને પરિવારોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ ભાળ મળી ન હતી. જે બાદ ગામના નેત્રેશ્વરી માતાજીના મંદિરના માઇકમાં એનાઉન્સ કરતાં ગ્રામજનો ભેગા થઇને તપાસ કરી હતી. શુક્રવારે સાંજે ૬-૩૦ કલાકે એક મકાનની આગળ મૂકેલા સ્લાઇડરવાળા કબાટમાંથી બંને બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જે બાદ તેમને તાત્કાલિક ઊંઝા સુવિધા હોસ્પિટલમાં લઇ જતા તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. બંનેનું વિસનગર સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરાયું હતું. તેમજ મૃતકના પિતા દિનેશભાઇ પટેલના નિવેદન આધારે અકસ્માત મોત નોંધ કરી તપાસ હાથ ધરી છે. પોલીસના પ્રાથમિક અનુમાન પ્રમાણે, સોહન અને હર્ષિલ બંને બાળકો રમતાં રમતાં બંધ મકાન આગળ પગરખાં મુકવાના સ્લાઇડરવાળા કબાટમાં સંતાવવા ગયા હોઇ શકે. જે બાદ કબાટ લોક થઇ જતાં અંદરથી બહાર ન નીકળી શકતાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યા હોઇ શકે છે. બંને બાળકોનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉ. વિક્રમ ઠાકોરે જણાવ્યું કે, ઘટના સ્થળે જોવા મળેલ લોહીના નિશાન અંગે જણાવ્યું કે, ઓક્સિજન ન મળતાં નસકોરી ફૂટી હોઇ શકે છે.

(7:41 pm IST)
  • ઉકાઇ ડેમની જળસપાટીમાં સતત વધારો : જળસપાટી ૩૪૩ ફૂટે પહોંચી : ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર : લોકોના નિચાણાવાળા વિસ્‍તારમાંથી દુર ખસી જવા તંત્રની અપીલ access_time 1:32 pm IST

  • ચૂંટણી પહેલા બિહારને વડાપ્રધાન શ્રી મોદીની 14 હજાર કરોડ રૂપિયાની ભેટ : 21 સપ્ટેમ્બરના રોજ વિડિઓ કોન્ફરન્સ દ્વારા 9 પ્રોજેક્ટ ખુલ્લા મુકશે : ગંગા નદી ઉપર 17 બ્રિજ બાંધવાનું આયોજન : દર 25 કિલોમીટરના અંતરે ગંગા નદી ઉપર એક પુલ જોવા મળશે : હાઈવેની લંબાઈ તથા પહોળાઈ વધશે : લોકોની સુવિધામાં વધારો થશે access_time 8:36 pm IST

  • જૂનાગઢ ખાતે ગિરનાર રોપ-વેનું કાર્ય પુરજોશમાં ચાલુ, પૂર્ણતાના આરે.. : બેક મહિનામાં એન્જીનીયરોએ સર્ટીફીકેટ આપ્યા પછી અને કેન્દ્ર સરકાર દ્વારા ચકાસણી થયા પછી ઉષા બ્રેકો કંપની ગિરનાર રોપ-વે શરૂ કરશે તેમ જાણવા મળે છે (વિનુ જોશી જૂનાગઢ) access_time 2:24 pm IST