Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ડીસા માં વીર માર્કેટિંગ ખાતે ઘીનું ઉત્પાદન કરતી પેઢીમાં ખોરાક ઔષધ નિયમન તંત્રની ફ્લાઇંગ સ્ક્વોડનો દરોડો : ૧૭ નમૂના લેવાય : ૧૧,૯૫૨ કિ. ગ્રા જથ્થો જપ્ત

          બનાસકાંઠાના ડીસામાં આવેલ વીર માર્કેટિંગ ખાતે ઘીનું ઉત્પાદન કરતી પેઢીમાં ખોરાક ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્ક્વોડનો દરોડો પડ્યો હતો અને ૧૭ નમૂના લેવાયા છે. તથા ૧૧,૯૫૨ કિ. ગ્રા જથ્થો તંત્ર દ્વારા જપ્ત કરાયો હતો

          ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નરશ્રી ડૉ. એચ..જી.કોશિયાના જણાવ્યા મુજબ તેમની ટીમે માહિતીના આધારે બનાસકાંઠા ખાતે શ્રી વિકી રાજેશભાઇ મોદીની પેઢી પર દરોડો પાડ્યો હતો. પેઢી માલિક દ્વારા એસેન્સ ઓઇલ, કરનેલ ઓઇલ, સોયાબીન ઓઇલ, પામ ઓઇલ તથા કાઉ ઘીના ઉત્પાદન કરવાના પરવાના મેળવેલ છે, પરંતુ આ પરવાના હેઠળ તેઓ ઇન્ટરેસ્ટીફાઇડ ફેટ તથા કાઉ ઘી બનાવતા હોવાની વિગતો મળી હતી. પેઢી માલિક ઇન્ટરેસ્ટીફાઇડ ફેટ શબ્દ વાપરીને ઘીના જેવા પેકીંગમાં તેમજ સામાન્ય માણસને પોતે

ઘી ખરીદે છે તેવો આભાસ થાય તે હેતુથી જુદી જુદી પ્રોડકટસ બનાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં ઘી, ઘી (ઇન્ટરેસ્ટીફાઇડ ફેટ), ઇન્ટરેસ્ટીફાઇડ ફેટ નામના ઉત્પાદનો, જુદા જુદા પેકીંગમાં તથા જુદી જુદી બ્રાન્ડથી મોટે પાયે ગુજરાતમાં તથા રાજસ્થાનમાં વેપાર કરતા જણાઇ આવ્યા છે.

         જેને પગલે તંત્ર દ્વારા આ પેઢી ખાતેથી કૂલ ૧૭ નમુના લેવામાં આવ્યા છે. જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત આ પેઢી ખાતેથી રૂ. ર૬,૮૧,૫૧૦/-ની ।કેમતનો ૧૧,૯૫૨ કિગ્રા ખાદ્દચીજનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે.

       આ પેઢી માલિક અગાઉ પુજન પર્પઝ ઘી બનાવતા હતા, પરંતુ તેઓની સામે આ તંત્ર દ્વારા પગલાં લઇને એડજયુડોકેટીંગનો કેસ દાખલ કરાયો હતો, જે ચાલી જતા તેઓને રૂ. ૪,૦૦,૦૦૦/- નો દંડ પણ થયો છે.

       આ પેઢી માલિક દ્વારા ઘી જેવી દેખાતી પ્રોડકટસ, ઘી જેવા રંગરૂપ તથા પેકિગમાં ગ્રાહકોને છેતરવાના હેતુથી ઉત્પાદન કરીને વેચાણ કરતા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવતા તંત્ર દ્વારા જાહેર આરોગ્યના વિશાળ હિતમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશ્નરશ્રી ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે.

(9:34 pm IST)