Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

૧૯મી માર્ચથી ૧૯મી સપ્ટેમ્બર

ગુજરાતમાં કોરોનાનાં ૬ માસઃ હજુ નિશ્ચિત બનવાનો સમય નથીઃ સાવધની હટી તો દુર્ઘટના ઘટી'ની સ્થિતિ

નવી દિલ્હી, તા.૧૯: ૨૦૨૦નો તે દિવસ જયારે રાજયમાં પહેલીવાર કોરોનાએ દેખા દીધી હતી. આ દિવસે રાજકોટ અને સુરત એમ બે જગ્યાએથી બે કોરોના કેસ એક સાથે સામે આવ્યા હતા. બસ ત્યારથી શરું થયેલું કોરોના ચક્ર અટકવાનું નામ જ નથી લેતું અને રાજયમાં આજની તારીખે કુલ ૧.૨ લાખ કોરોના કેસ છે અને ૩,૨૮૯ લોકોના મોત થયા છે. ગઈકાલે શુક્રવાર ૧૮ સપ્ટેમ્બરે જ નવા કોરોના કેસ મામલે રાજયનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો ૧૪૧૦ સામે આવ્યો છે. આ સાથે પહેલીવાર રાજયમાં દૈનિક કોરોનાનો આંક ૧૪૦૦ના બેચમાર્કને ક્રોસ કર્યો છે.

છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજીવાર છે જયારે કોરોના કેસ નવો દૈનિક રેકોર્ડ બનાવ્યો હોય. ગઈકાલે સામે આવેલા આંકડામં સૌથી વધુ ૨૮૬ સુરત, ૧૭૩ અમદાવાદ, ૧૪૪ રાજકોટ, ૧૩૫ વડોદરા અને ૧૨૯ જામનગર છે. તો સિટી વાઈઝ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ કોરોના કેસ અનુક્રમે ૩૪,૬૬૬, ૨૫,૫૮૩, ૧૦,૪૬૨ અને ૭,૪૨૧ પહોંચ્યા છે.

આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૬ કોરોના દર્દીઓના મોત થયા છે. જેમાં સુરત અને રાજકોટમાંથી ૪-૪, અમદાવાદ અને વડોદરામાંથી ૩-૩ અને બે દર્દી ગાંધીનગરના સામેલ છે. જયારે શહેર મુજબ કુલ મૃત્યુઆંક જોઈએ તો વડોદરા -૧૬૦, ગાંધીનગર- ૭૦, અમદાવાદ- ૧૭૭૫, સુરત- ૭૧૫, રાજકોટ- ૧૨૨ છે. તો બીજી તરફ છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૯૩ કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજયમાં રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ ૧ લાખને પાર કરી ગઈ છે.

રાજયમાં એકિટવ કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૧૬,૧૦૮ છે. આમ અત્યાર સુધીના આંકડા મુજબ જો એકિટવ, ડિસ્ચાર્જ અને મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના આંકડાને ટકાવારી મુજબ જોવામાં આવે તો અનુક્રમે ૧૩.૪%, ૮૩.૯% અને ૨.૭% દર્દીઓ છે.

શહેરના નિષ્ણાંત ડોકટર છેલ્લા છ મહિનાની કોરોના સ્થિતિનું મુલ્યાંકન કરતા કહે છે કે હજુ સુધી એ સમય નથી આવ્યો કે આપણે નિશ્યિત થઈ જઈએ. જાણીતા પલ્મોનોલોજિસ્ટિ અને રાજય સરકારની કોવિડ-૧૯ કમિટીના સભ્ય ડો. તુષાર પટેલે કહ્યું કે, 'કેસ સતત વધી રહ્યા છે. બસ સારી વાત એક જ છે કે હવે આપણે આ રોગ વિશે જાણીએ છીએ અને તેના દર્દીને કઈ રીતે હેન્ડલ કરવા તે પણ જાણી ગયા છીએ. જે આપણને રાજયના મૃત્યદરમાં આવી રહેલા સતત દ્યટાડાથી જાણી શકાય છે. તેમજ કોરોનાથી આપણું અને બીજાનું રક્ષણ કરવું આપણા હાથની જ વાત છે. તે માટે જરુરી તમામ પ્રોટોકોલ્સનું ચુસ્તપણે પાલન કરીએ તો કોરોનાને હરાવવો અઘરો નથી.'

મહત્વનું છે કે લોકડાઉનમાં છૂટછાટ વચ્ચે હવે કોરોનાના નવા કેસ એવા વિસ્તારોમાંથી આવી રહ્યા છે જયાં આ પહેલા ભાગ્યે જ કોઈ કેસ જોવા મળ્યા હતા. જે દર્શાવે છે કે મહામારીનો ફેલાવો શહેરની હદ બહાર અને રાજયના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચ્યો છે.

(9:59 am IST)