Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

વેપારીઓની ઓફિસો, પેઢીઓ પર GST અધિકારીના ધામા

મહામારી કાળમાં જીએસટી અધિકારીઓની આડોડાઈ : અધિકારીઓ ઘરમાં ઘૂસી અને ઓફિસમાં બેસી રહેતા હોવાની અગાઉ હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ પણ થઈ હતી

અમદાવાદ : સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા કરચોરી ઝડપી લેવા તથા બોગસ બિલિંગ કૌભાંડ અટકાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તેમને ખાસ્સી સફળતા પણ મળી છે. જોકે ઘણા સમયથી જીએસટી ના અધિકારીઓ વેપારીઓ પાસે બાકી ટેકસની ઉઘરાણી માટે કડકાઇ કરતાં હોવાની તથા તેમની ઓફિસ કે પેઢી પર જઈને બેસી જતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. નારાજ વેપારીઓની રજૂઆત છે કે એક તરફ હજુ કામ ધંધા સેટ થયા નથી ત્યારે બીજી તરફ અધિકારીઓ કામકાજના સમયે ઓફિસ કે પેઢીઓ પર આવીને બેસી જતા હોવાથી ધંધાને નુકસાન થઈ રહ્યું છે. ગત વર્ષે પણ જીએસટી ના અધિકારીઓ વેપારીઓના કામકાજના સ્થળે પહોંચી જતા હોવાની અને ચોક્કસ કિસ્સામાં તો કોઈના ઘરે પહોંચી ગયા હોવાની પણ ફરિયાદ છેક હાઈ કોર્ટ સુધી પહોંચી હતી.

કોરોના ને લીધે લગભગ ત્રણ મહિના સુધી વ્યાપાર ધંધા ઉદ્યોગો બંધ રહ્યા બાદ હવે ધીરે ધીરે માર્કેટમાં ગ્રાહકો આવી રહ્યા છે. સામે ટાર્ગેટ પૂરા નહીં થયા હોવાને કારણે જીએસટી ના અધિકારીઓ પણ આક્રમકતાથી દરોડા પાડવાના અને સર્ચ કરવાની કામગીરી કરી રહ્યા છે.

છેલ્લા એકાદ મહિનામાં કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડના પર્દાફાશ પણ થયા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા કરચોરોને ડામવા માટે સતત પ્રયાસ થઇ રહ્યા છે ત્યારે ઘણી વખત ઉઘરાણીના નામે વેપારીઓ પરેશાન પણ કરવામાં આવી રહ્યા છે.સંખ્યાબંધ વેપારીઓની ફરિયાદ છે કે તેઓ જીએસટી નહીં ચૂકવી શકતા હોવાને કારણે ઉઘરાણી માટે અધિકારીઓ રીતસરના ઓફિસ કે તેથી ઉપર આવીને બેસી જાય છે.

ઓફિસ કે પેઢીમાં અધિકારીઓની હાજરીને લઈને વ્યાપાર ધંધા ઉપર પ્રતિકૂળ અસર પડી રહી છે તેવી વેપારીઓની ફરિયાદ છે. ઘણા કિસ્સામાં તો જે તે વેપારીઓની ઉઘરાણી માટે કેમ સ્વજનો ની ઓફિસે પણ અધિકારીઓ પહોંચી જતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બોગસ બિલિંગ કૌભાંડમાં તપાસ માટે જીએસટી ના અધિકારીઓ જે-તે વ્યક્તિના ઘરે પહોંચી ગયા હોવાના અને તેના ઘરે રોકાયા હોવાની પણ ફરિયાદ છે હાઈ કોર્ટ સુધી પહોંચી હતી. હાઇકોર્ટમાં જીએસટી ના અધિકારીઓના આવા વર્તન અંગે ખાસ ટકોર પણ કરવામાં આવી હતી.

(7:41 pm IST)