Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કામરેજના દિગસ માછી ગામે તાપી નદીમાં મોટી ફળોદના યુવક અને યુવતી ડૂબ્યા :યુવતીને બચાવી લેવાઈ : યુવકની શોધખોળ

સ્થાનિક તરવૈયો ટ્યુબ લઈને નદીમાંથી ડૂબતી નેહાને બચાવી : યુવક આનંદ ઊંડા પાણીમાં ગરકાવ

 

સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં દિગસ માછી ગામે તાપી નદીમાં ન્હાવા પડેલ યુવક યુવતી ડૂબવા લગતા સ્થાનિક તરવૈયાએ યુવતીને બચાવી લીધી હતી. જ્યારે યુવક ઊંડા પાણીમાં ગરક થઈ જતાં બારડોલી ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી છે

અંગે મળતી વિગત મુજબ બારડોલી તાલુકાના મોટી ફળોદ ખાતે રહેતા મજૂરો કામરેજ તાલુકાનાં દિગસ માછી ગામે ખેતીકામ માટે ગયા હતા. બપોર સુધી કામ કર્યા બાદ મજૂરો જમવા માટે તાપી નદી કિનારે બેઠા હતા. જમી પરવારી મજૂરો પૈકી મોટી ફળોદના ટેકરા ફળિયા ખાતે રહેતો આનંદ સુરેશ હળપતિ (.વર્ષ 24) અને નેહા બળવંત રાઠોડ નદીમાં ન્હાવા માટે ગયા હતા. તે સમયે નદીની વચ્ચે ઊંડો ખાડો હોય બંનેએ સંતુલન ગુમાવી દેતાં તેઓ ડૂબવા લાગ્યા હતા.

  દરમ્યાન ત્યાં ઉપસ્થિત એક મજૂર વિજય ચંપક હળપતિને તરતા આવડતું હોય તે બંનેને બચાવવા માટે નદીમાં કૂદયો હતો. પરંતુ તે પણ પાણીમાં ખેંચાવા લાગતાં તે જેમતેમ તરીને બહાર નીકળી આવ્યો હતો. સમયે એક સ્થાનિક તરવૈયા પાસે ટ્યુબ હોય તે ટ્યુબ લઈને નદીમાં કૂદયો હતો અને યુવતીને બચાવી લીધી હતી. જ્યારે આનંદ ઊંડા પાણીમાં ગરક થઈ જતાં તેનો કોઈ પત્તો મળી શક્યો નથી. ઘટનાની જાણ બારડોલી ફાયર બ્રિગેડને થતાં ફાયર ઓફિસર પી.બી. ગઢવી તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે મોડી સાંજ સુધી યુવકની કોઈ ભાળ મળી શકી નથી

નદીમાં ડૂબી જનાર મોટી ફળોદના આનંદ સુરેશ હળપતિના દસ મહિના પહેલા લગ્ન થયા હતા. તેની પત્નીને હાલ ત્રણેક મહિનાનો ગર્ભ છે. પતિ ડૂબી જવાની ખબર મળતા રડી રડીને તેની હાલત બગડી ગઈ છે. પરિવારજનો પર પણ ઘરનો ચિરાગ નદીમાં ડૂબી જતાં ભારે દુઃખી જોવા મળી રહ્યા છે.

(10:53 pm IST)