Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

DYSP મંજિતાએ વૃધ્ધાને દત્તક લઇ માનવતા મેંહકાવી

પુત્રોના મારથી બચવા વૃદ્ધા વૃદ્ધાશ્રમમાં રહેવા ગયા : ડીવાયએસપી મંજિતા દેવડા સીતાબાને વૃદ્ધાશ્રમ છોડવા માટે ગયા હતા : ૧ વર્ષનો ખર્ચ પણ એડવાન્સ ભરી દીધો

અમદાવાદ,તા. ૨૦ : પુત્રોના અસહય મારથી ડરી ગયેલા ૮૦ વર્ષના સીતાબા ઘરે નહી પરંતુ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ સાથે રડી પડતા ડીવાયએસપી મંજિતા વણઝારાએ હુંફ આપી તેમને પોતાની ગાડીમાં વૃદ્ધાશ્રમ લઇ ગયા હતા. વૃદ્ધાશ્રમમાં રહીને પુત્રો સામે કાયદાકીય લડત આપવાનો નિર્ધાર કરનાર સીતાબાને ડીવાયએસપીએ દત્તક લઇ વૃદ્ધાશ્રમનો તમામ ખર્ચ ઉપાડવાનો નિર્ણય લીધો હતો. પુત્રોના મારથી ત્રસ્ત વૃધ્ધાને અપનાવી દત્તક લઇ ડીવાયએસપી મંજિતા વણઝારાએ માનવતા મેંહકાવી હતી. તેમના આ માનવીય અભિગમની સમગ્ર પોલીસ તંત્ર સહિત ખુદ સભ્યસમાજમાં ભારોભાર પ્રશંસા થઇ રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વિજાપુર તાલુકાના દેવડા ગામનાં ૮૦ વર્ષનાં સીતાબેન રણછોડભાઇ બારોટ વર્ષ ૨૦૦૪માં પતિના મૃત્યુ બાદ બે પુત્રોએ રાખવાનો ઇન્કાર કરતાં એકલવાયુ જીવન જીવે છે. ત્યારે ગામમા આવેલી તેમની છ વીઘા જમીન પર નજર જમાવીને બેઠેલા પુત્રો દ્વારા અસહય માર મરાતો હોવાના આક્ષેપ સાથે તેઓ ડીવાયએસપી મંજીતા વણઝારાને મળ્યા હતા. ઘરે જશે તો પુત્રો મારમારશે તેવા ડરથી વૃદ્ધાએ વૃદ્ધાશ્રમમા જવા જીદ કરી હતી પરંતુ પૈસા ન હોઈ વિસામણમાં મુકાયા હતા. આ સમયે મંજિતા વણઝારાએ વૃદ્ધાની વૃદ્ધાશ્રમમા રહેવાની તમામ જવાબદારી ઉઠાવી વૃદ્ધાશ્રમ છોડવા ગયા હતા.

                   આ અંગે ડીવાયએસપી મંજિતા વણઝારાએ જણાવ્યું હતુ કે, પુત્રના મારથી બા ખુબજ ગભરાઇ ગયા હતા મને લાગ્યુ કે, બા ખરેખર ખુબજ હેરાન થઇ રહ્યા છે.તેમની વૃદ્ધાશ્રમમાં રહેવાની ઇચ્છા પૂર્ણ કરી છે અને કોઇ પણ તકલીફ પડે તો પોલીસ અધિકારી તરીકે નહી પરંતુ દીકરી તરીકે તમારી સાથે છુ તેવુ આશ્વાસન આપ્યુ છે. વૃદ્ધાશ્રમની તેમની એક વર્ષની ફી એડવાન્સ ભરી છે. પતિના મૃત્યુ બાદ એકલવાયું જીવન જીવતા ૮૦ વર્ષનાં સીતાબા જમીન માટે માર મારતા પુત્રોથી કંટાળી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચી સાહેબ, મને જીવાડો કે પછી ઝેર આપીને મારી નાખો તેમ કહીને રડી પડ્યા હતા.

 પુત્રોનો માર ખાઇને ફરિયાદ નોંધાવવા વસઇ પોલીસ સ્ટેશન પહોંચેલા વૃદ્ધાને પોલીસે પહેલાં તમે તમારા જામીનદાર લાવો પછી ફરિયાદની વાત કરો તેમ કહીને ધમકાવીને કાઢી મુક્યાનો પણ વૃદ્ધાએ આક્ષેપ કર્યો હતો. વૃદ્ધાના કહેવા મુજબ પુત્રોએ તેમના આધારકાર્ડથી માંડીને તમામ દસ્તાવેજો પડાવી લીધા છે અને આર્થિક ટેકો પણ કરતા નથી. પતિના મૃત્યુ સમયે પોતાની હાથમાં પહેરેલી બંગડીઓ વેચીને તમામ વિધિ પૂર્ણ કરી હતી.

મને જીવવા દો કાં તો મને ઝેર આપીને મારી નાંખો

અમદાવાદ, તા. ૨૦ : બે દિવસ પૂર્વે અમદાવાદ રહેતો પુત્ર અને તેના પરિવારે અસહય માર માર્યો હોવાની વસઇ પોલીસમાં ફરિયાદ આપવા ગયેલાં વૃદ્ધાની ફરિયાદ લેવાનું તો બાજુમાં રહ્યું હાજર પોલીસકર્મીએ તેમને જામીનદાર લઇને આવવાની વાત કરી હતી. પુત્રોના ત્રાસથી ભાંગી પડેલાં વૃદ્ધા મને જીવવા દો કે પછી મને ઝેર આપીને મારી નાખો તેમ કહેતાં હાજર પોલીસ પણ લાગણીશીલ બની ગઇ હતી. અહીં મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી આપનાર વૃદ્ધાને આખરે ડીવાયએસપી મંજિતા વણઝારા મળતાં તેમના જીવનમાં કંઇક આશા અને સાંત્વના જાગી છે.

(10:02 pm IST)