Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કેવડિયા કોલોની ખાતે નર્મદા શ્રમ-સેવા શિબિરનું આયોજન

રમતગમત, યુવા-સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન : ૧૫થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ શિબિરામાં જોડાશે : ૩૦મી સુધી અરજી મોકલી શકાશે

અમદાવાદ,તા.૨૦ : રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે 'નર્મદા શ્રમ અને સેવા શિબિર' નું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વની મોટામાં મોટી સિંચાઇ યોજના અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના વિકાસ કાર્યમાં રાજ્યના યુવાઓ પોતાની શક્તિઓનું શ્રમદાન કરે તથા પોતાની શક્તિઓનો સદુપયોગ કરી રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનો ફાળો પ્રદાન કરે તે આશયથી આ શ્રમ-સેવા શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હોવાનું યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરએ યાદીમાં જણાવ્યું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતુ શ્રમ કાર્ય, નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી, ચર્ચા, સભા, પ્રવચન સહિતના જ્ઞાનવર્ધક કાર્યક્રમો યોજવામાં આવનાર છે. તા.૩૧ જુલાઇ-૨૦૧૯ના રોજ જે યુવક-યુવતીઓ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય અને શ્રમ કાર્યમાં જોડાવવા ઇચ્છતા હોય તેવા યુવાઓ તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૧૯ સુધીમાં 'જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા સેવા સદન, રૂમ નંબર-૨૧૭, બીજે માળે, રાજપીપળા, જિ.નર્મદા'ને માંગ્યા મુજબની માહિતી સાથેની અરજી મોકલી આપવા યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરએ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

              જેમાં પોતાનું પુરૂનામ અને સરનામું ( આધારકાર્ડ / ચુંટણી મતદાતા કાર્ડ / રાજય,કેન્દ્ર સરકાર, શાળા, કોલેજ કે યુનિવર્સિટી દ્વારા અપાયેલ ફોટા સાથેના ઓળખકાર્ડની પ્રમાણિત નકલ, રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઇટબીલ, ગેસ બીલ, ટેલીફોન બીલની પ્રમાણિત નકલ સામેલ કરવી), જન્મ તારીખ (જન્મતારીખના પ્રમાણપત્ર / શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ બિનચૂક સામેલ કરવી), શૈક્ષણિક લાયકાત / વ્યવસાય પર્વતારોહન, એન.સી.સી., એન.એસ.એસ. કે સ્કાઉટ ગાઇડ, હોમ ગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, વાલીનો સંમતીપત્ર, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડૉકટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી કરવાની રહેશે. અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે તેમજ તેમના આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન/નિવાસની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવશે.

(9:49 pm IST)