Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઉકાઈ ડેમ વર્ષો બાદ ૩૪૩.૦૭ ફૂટની સપાટી પર પહોંચી ગયો

ડેમ હાલ ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર : સાત ગેટ ખોલી ૭૫૭૬૪ ક્યુસેક પાણી તાપીમાં છોડાયું ૩૪૫ ફૂટ ઉકાઈ ડેમની ભયજનક સપાટી હોવાથી સતર્ક

અમદાવાદ, તા.૨૦  છેલ્લા ૬ વર્ષ બાદ ઉકાઈ ડેમની સપાટી ૩૪૩.૦૭ ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટથી માત્ર બે ફૂટ જ દૂર હોવાથી તંત્ર દ્વારા પાણીની આવક પર વોચ રાખવામાં આવી રહી છે. જો કે, ઉકાઈ ડેમને સંપૂર્ણ ભરી દેવાની ગણતરી મંડાઈ છે. તો સાથે સાથે ઉકાઇ ડેમના ઓવરફલો થવાની શકયતાને લઇ તંત્ર પણ એલર્ટ પર છે. ઉપરવાસમાં વરસાદના પગલે હાલ ઉકાઈ ડેમમાં ૯૩ હજાર ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે અને તંત્ર દ્વારા ડેમને સંપૂર્ણપણે ભરી દેવાની તજવીજ હાથ ધરાઇ છે. હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૪૩.૦૭ ફૂટ પર પહોંચી છે. જે ભયજનક સપાટી ૩૪૫ ફૂટથી બે ફૂટ જ દૂર છે. ડેમમાં હાલ ૯૩ હજાર ક્યુસેક ઇનફલો સામે ૭૫ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

              હાલમાં ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે અને ૬૦૩૭.૨૭ એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ છે. ઉકાઇ ડેમની કુલ લાઇવ સ્ટોરેજ કેપેસીટી ૬૭૩૦ એમસીએમ છે. મહત્તમ લેવલ ૩૪૫ ફૂટે સપાટી પહોંચી જાય તો ડેમ ૧૦૦ ટકા ભરાઇ જશે. હથનુર ડેમની સપાટી ૨૧૨.૩૯૦ મીટર નોંધાઇ છે. તો, હથનુરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. વરસાદને લઇને આગામી દિવસો હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી તંત્ર દ્વારા વરસાદ અને પાણીની આવક પર વોચ રાખવામાં આવી રહી છે. ગત તા.૧ ઓગસ્ટના રોજ ઉકાઈ ડેમની સપાટી ૩૦૦ ફૂટ નોંધાઈ હતી અને આજે ૩૪૩.૦૭ ફૂટ નોંધાઈ છે. જેથી છેલ્લા દોઢ મહિનામાં સતત પાણીની આવકના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં ૪૩ ફૂટનો વધારો થયો છે. ઉકાઈ ડેમની સપાટી ૩૪૩.૦૭ ફૂટ પર પહોંચી છે.

              ઉકાઈમાંથી પાણી છોડાતાં છેલ્લા ઘણા સમયથી તાપી નદી બે કાંઠે વહી રહી છે. જેથી સુરતના કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે છેલ્લા દોઢ મહિનાથી બંધ છે. છેલ્લા ઘણા વર્ષોમાં દોઢ મહિના સુધી કોઝવે બંધ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા બારડોલી તાલુકાનાં હરીપુરા ગામે તાપી નદી પર આવેલા હરીપુરા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો ગઈ હતા. આ સીઝનમાં હરીપુરા કોઝવે પાંચવાર પાણીમાં ગરકાવ થતા બંધ કરાની નોબત આવી હતી. કોઝવે બંધ થવાથી બારડોલી અને કડોદ સાથે જોડાયેલા માંડવી તાલુકાના કોસાડી, ઉન, ખંજરોલી, ઉમરસાડી, લવાછી, ગોદાવાડી, ખરોલી સહિતના ૧૦ ગામો કડોદથી છુટા પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

ડેમના પાણી ૪૦ ગામોના ખેતરોમાં ફરી વળ્યા.......

પાકમાં ભારે નુકસાન થવાની ચિંતા

અમદાવાદ, તા. ૧૦ :  ઉકાઈ ડેમ હાલ ૯૦ ટકા ભરાઈ ગયો છે, અને હજુ પાણીની આવક ચાલુ છે. આ વર્ષે ઉકાઈડેમ ૩૪૫ ફૂટ એટલે ૧૦૦ ટકા ભરવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. જેથી ઉકાઈ ડેમના જળાશયમાં પાણીનો સંગ્રહ થતાં ઉચ્છલ, નિઝર, કુકરમુડા તાલુકાના ડુબાણમાં આવતાં ગામના ખેતરોમાં પાણી ભરાયા છે. છેલ્લા છ વર્ષ પછી આટલા મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. વિસ્થાપિત ખેડૂત પરિવારો દુબાણમાં ગયેલ ખેતી પર ખેડાણ કરી ખેતી કરી ગુજરાન ચલાવે છે. ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરથી પાકનો ઉછેર કર્યો છે ત્યારે જળસ્તર વળતાં પાક પાણીમાં ડૂબી જવાથી ખેતી પાકમાં ભારે નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. તો, તાપી જિલ્લાના ૪૦ ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

(8:45 pm IST)