Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

નડિયાદની કિડની હોસ્પિટલમાં નજીકની બિલ્ડિંગમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભુકતા દોડધામ: ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

નડિયાદ: શહેરની કિડની હોસ્પિટલ નજીક આવેલ એક એપાર્ટમેન્ટમાં આજે શોર્ટસર્કીટને કારણે આગ લાગી હતી. જો કે નડિયાદ ફાયર બ્રીગેડની ટીમે સમયસર પહોંચીને આગને કાબૂમાં લેતા કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ ફાયર સેફ્ટીની સુવિધા વગર ધમધમી રહેલા આ એપાર્ટમેન્ટ માટે પાલિકાના ફાયર બ્રીગેડ વિભાગની કાર્યવાહી સામે આંગળી ચિંધાઇ છે.

નડિયાદ શહેરના કિડની હોસ્પિટલ સામે આવેલ કલ્પતરુ એપાર્ટમેન્ટમાં ૪૦૨ નંબરના ફ્લેટમાં ઉદયભાઇ રાવલ રહે છે. તેમના બેડરુમના એસીમાં આજે બપોરના સમયે અચાનક શોર્ટ સર્કીટ થતા આગ લાગી હતી. આથી તરત જ ઉદયભાઇએ નડિયાદ ફાયર બ્રીગેડને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોેંચી ગઈ હતી. અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ ઘરના સભ્યોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તબિયત ગંભીર બનતા ૧૦૮ વાન બોલાવી તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા.   આ એપાર્ટેમેન્ટમાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા ન હોવાનું જાણવા મળ્યુ હતું. 

 

(5:57 pm IST)