Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

આણંદના બાકરોલમાં ટી પોઈન્ટથી એપીસી જવાના રસ્તે દબાણ હટાવો કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવતા અફડાતફડી: ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સરસામાન જાહેર માર્ગ પર મુકવાની નોબત આવી

આણંદ:શહેરના બાકરોલ ટી પોઈન્ટથી એપીસી તરફ જવાના રાજમાર્ગની આસપાસ આવેલ ઝુપડપટ્ટીના રહીશોને નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત દુર ખસેડવાના મામલે આજે સવારના સુમારે અફડા-તફડી મચી હતી. છેલ્લા વીસેક વર્ષથી આ સ્થળે વસવાટ કરતા સ્થાનિકોને તંત્ર દ્વારા અચાનક ખદેડવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોને પોતાનો સરસામાન જાહેર માર્ગ ઉપર મુકવાનો વારો આવ્યો હતો.

વધુમાં મળતી વિગતો મુજબ આણંદ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત આજે સવારના સુમારે પાલિકા તંત્રની ટીમ દ્વારા શહેરના બાકરોલ ટી પોઈન્ટથી એપીસી તરફ જવાના નવા રાજમાર્ગની આસપાસ ખડકાયેલા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે સ્થાનિકોના જણાવ્યા મુજબ બાકરોલ ટી પોઈન્ટ નજીક આવેલ એક ખુલ્લા મેદાનમાં હાલ ગરબા મહોત્સવનું આયોજન થનાર હોઈ તેઓને આ સ્થળેથી કોઈપણ જાણ કર્યા વિના ખદેડવાની કામગીરી હાથ ધરાઈ છે. 

(5:57 pm IST)